આજના ઈન્ટરનેટના આધુનિક યુગમાં રંગે રંગાયેલ લોકો જુનવાણી સંસ્કૃતીઓની પરંપરાઓ વિસરી ગયા હોય, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં જૂની પરંપરા મુજબ લગ્ન પ્રસંગે બળદ ગાડામાં વરરાજાની જાન નીકળતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
હવે આધુનિક યુગમાં જ્યારે આજની યુવા પેઢી જૂની પરંપરાને ભૂલીને પશ્ચિમની સંસ્કૃતિને આંધળી રીતે અનુસરી રહી છે. હવે, લોકો લગ્ન પ્રસંગમાં જાન લઈ જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરતાં થયા છે, ત્યારે એક વર્ગ એવો પણ છે કે, જે જૂની પરંપરા મુજબ રિવાજોનું પાલન કરે છે. ધ્રાંગધ્રામાં રહેતા બળદેવ મોરી અને તેમના પરિજનોએ ગુજરાતની જૂની પરંપરાને આજે પણ જાળવી રાખી છે. જૂના રિવાજ મુજબ દીકરા હર્ષદ મોરીની જાન ભવ્ય રીતે શણગારેલા બળદ ગાડામાં કાઢી હતી. જાનને જોવા માટે શહેરના લોકો પણ ઉમટી પડ્યા હતા. વરરાજા અને તેના પિતાએ જણાવ્યું હતું કે, આજના યુગમાં જ્યારે લોકો પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે, ત્યારે અમે આપણી ગુજરાતી સંસ્કૃતિથી લોકો વાકેફ થાય તે માટે બળદ ગાડામાં પરંપરાગત રીતે જાન કાઢી હતી.