/connect-gujarat/media/post_banners/4f730bb62e200044f52057ff50d8cf34746948ca22846a9cc1e9abe4dec12f10.jpg)
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના માંડળ નજીક જાનૈયા ભરેલી બસ ટોલ નાકા સાથે અથડાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, ત્યારે જાનૈયા અને ટોલ નાકા પર કામ કરતી મહિલા કર્મચારી સહિત કુલ 15 લોકોને ઈજા પહોંચી હતી. જોકે, અકસ્માતના ચોંકાવનારા દ્રશ્યો CCTVમાં કેદ થતાં તેમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું.
સોનગઢ તાલુકાના માંડળ ગામ નજીક આવેલ ટોલ નાકા પર શ્રી સમર્થ નામની ખાનગી ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો હતો. મહારાષ્ટ્રના બુરહાનપુરથી બસ મારફતે જાનૈયાઓ પરત ફરી રહ્યા હતા, તે દરમ્યાન ટોલ નાકા પર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં બસ બેકાબુ બની હતી. જેના કારણે બસ ટોલ નાકા સાથે ધડાકાભેર અથડાઇ હતી. જોકે, ટોલ નાકા સાથે અથડાયેલી બસને પણ ભારે નુકશાન થયું હતું. અકસ્માતના પગલે બસમાં સવાર જાનૈયાઓમાંથી 15 લોકોને ઈજાઓ પહોંચી હતી, જ્યારે 4 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની હતી. ઈજાગ્રસ્તોમાં ટોલ નાકા પર કામ કરતી 2 મહિલાઓ પણ ઈજાગ્રસ્ત થઈ હતી, ત્યારે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તો સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, અકસ્માતના દ્રશ્યો ટોલ નાકા પર લાગેલા CCTVમાં કેદ થતાં તેમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું.