Connect Gujarat
ગુજરાત

તાપી : જનરલ હોસ્પિટલમાં બ્લડ બેન્કની અસુવિધાના પગલે સમયસર લોહી ન મળતું હોવાની લોક ફરિયાદ

કોરોના મહામારીમાં દર્દીને પડી શકે છે લોહીની જરૂરિયાત, સમયસર લોહી ન મળતું હોવાની પણ ઉઠી છે લોક ફરિયાદ.

X

કોરોના મહામારીના કપરા સમયમાં ગમે ત્યારે દર્દીને લોહીની જરૂરિયાત પડી શકે તેમ છે, ત્યારે તાપી જિલ્લાની જનરલ હોસ્પિટલમાં વર્ષોથી બ્લડ બેન્કની અસુવિધાને લઈને ઘણીવાર દર્દીને સમયસર લોહી ન મળતા અફરાતફરી મચી જતી હોવાની લોક ફરિયાદ ઉઠી છે.

તાપી જિલ્લો નિર્માણ થયાને આજે 14 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, ત્યારે જિલ્લાને સરકારે મોટી જનરલ હોસ્પિટલ તો ફાળવી છે. પરંતુ અહીં દરરોજ હજારોની સંખ્યામાં આવતા દર્દીઓ માટે બ્લડ બેન્કની સુવિધા અપર્યાપ્ત રહેતા કેટલાક સંજોગોમાં ગંભીર દર્દીઓને સમયસર તેમને જોઈતા ગ્રુપનું લોહી ન મળતા અફતતફરી મચી જાય છે. જે અંગેની ફરિયાદ સામાજિક અગ્રણીઓએ વારંવાર કરી છે. એક તરફ રાજ્ય સરકાર આરોગ્યની સુવિધા સમગ્ર રાજ્યમાં સારી હોવાની વાતો કરી રહી છે. તો બીજી તરફ વાસ્તવિક પરિસ્થિતિ કંઇક અલગ જોવા મળી રહી છે.

મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં કોરોના અને સિકલસેલ જેવા ગંભીર રોગોમાં દર્દીઓમાં લોહીની અછત સર્જાતા બ્લડની જરૂર પડતી હોય છે. હાલ સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીના કારણે કેટલાય નાગરિકોને બ્લડની જરૂર પડી હોય એવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, ત્યારે તાપી જિલ્લામાં એક માત્ર સરકારી સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેન્ક ન હોવાના કારણે લોકોએ અન્ય હોસ્પિટલના ધક્કા ખાવા પડતા હોય છે, ત્યારે રાજ્ય સરકાર આ પ્રશ્નને ગંભીરતાથી સમજી અહીંના લોકો માટે બ્લડ બેન્કની સુવિધા ઉભી કરે તે અત્યંત જરૂરી બન્યું છે, ત્યારે હાલ તો સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા પરિસ્થિતિ સારી હોવાની વાતો કરવામાં આવી રહી છે.

Next Story
Share it