બનાસકાંઠા જિલ્લાના અંબાજીના ગબ્બર વિસ્તારમાં છેલ્લા 21 દિવસથી આટાફેરા મારતા રીંછનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રીંછ પાંજરે પુરાતા સમગ્ર પંથકના લોકો તેમજ આગામી ભાદરવી પૂનમના મેળામાં આવનારા માઈભક્તો ભયમુક્ત બન્યા છે.
બનાસકાંઠા જિલ્લાના અંબાજીના ગબ્બર વિસ્તારમાં અવારનવાર વન્યપ્રાણીઓ શિકારની શોધમાં આવી ચઢતા હોય છે, ત્યારે અંબાજીના ગબ્બર વિસ્તારમાં છેલ્લા 21 દિવસથી 4 વખત રીંછના આટાફેરા જોવા મળતા લોકો ભયભીત બન્યા હતા, અને આ રીંછને પકડવામાં આવે તેવી માંગ ઉઠી હતી. તો બીજી તરફ, આગામી દિવસોમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થનાર હોય, ત્યારે મેળામાં લાખો માઈભક્તો માઁ અંબાના દર્શન માટે આવતા હોવાથી વહીવટી તંત્રની પણ ચિંતાઓ વધી હતી. જોકે, આ રીંછને પકડવા માટે વન વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. અને જે વિસ્તારમાં રીંછનું સતત અવરજવર છે તે વિસ્તારમાં રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમની મદદથી અલગ અલગ જગ્યાએ 6 જેટલા પાંજરા મુકવામાં આવ્યા હતા. જોકે, રાત્રિના સમયે ફરી એકવાર રીંછ દેખાતા તેને બેભાન કરી પાંજરે પુરવામાં આવ્યું હતું. રીંછ પાંજરે પુરાતા રેસ્ક્યુ ટીમ, વન વિભાગ સહિત આસપાસના સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.