દેશના પ્રથમ પ્રાકૃતિક જિલ્લામાં મેઘમહેર થતાં પ્રાકૃતિક સોંદર્ય ખીલી ઉઠ્યું છે. સારો વરસાદ વરસતા ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું છે. તો આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ કે, ખેડૂતો કેવી રીતે કરી રહ્યા છે, પ્રાકૃતિક ખેતી....
તમે જે કુદરતી સોંદર્યનો નજારો જોઈ રહ્યા છો, તે કાશ્મીરનો નહીં પણ આપણા ગુજરાતના ડાંગ જિલ્લાનો છે. પારંપારિક જીવનશૈલી અને વિશેષતાઓને જોતા સરકારે પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો છે. વરસાદના આગમનથી સોળેકળાએ ખીલેલા ડાંગના કુદરતી સૌંદર્યનો લ્હાવો માણવા પ્રકૃતીપ્રેમીઓ અને પર્યટકો અહી આવી પ્રાકૃતિક જીવનનો આસ્વાદ માણી રહ્યા છે. પ્રકૃતિની ગોદમાં ઉછરી રહેલા ડાંગ જિલ્લામાં શ્રીકાર વર્ષા થતાં ચોતરફ લીલોતરી છવાઈ છે, ત્યારે ડાંગ જિલ્લાના ખેડૂતો પરંપરાગત રીતે સુમેળ સાધી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
દેશના પ્રથમ પ્રાકૃતિક જિલ્લા એવા ડાંગના ખેડૂતો હાલ જૈવિક ખેતી કરી રહ્યા છે. ખેતરમાં છાણીયું ખાતર નાખી બળદ મારફતે ખેતી કરવામાં આવી રહી છે. પ્રાકૃતિક જિલ્લો એવા ડાંગમાં આ વર્ષે સારો વરસાદ વરસતા જ ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું છે. જેમાં ખેડૂતોએ ડાંગર, નાગલી, મકાઈ, તુવેર, અડદ, મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું છે. આ સાથે જ ખેડૂતો જૈવિક ખેતી તરફ વળે તેમજ તેમની આવક અને ઉત્પાદનમાં સરકાર દ્વારા સહાય પણ કરવામાં આવી રહી છે.