શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો
વાવાઝોડા સાથે વરસેલા વરસાદે વિનાશ વેર્યો
ગ્રામ્ય વિસ્તારોમાંથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા
વહીવટી તંત્રની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત
અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાય
નવસારી જિલ્લાના આદિવાસી પંથકમાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદે વિનાશ વેર્યો છે, ત્યારે વહીવટી તંત્રએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સર્વેની કામગીરી હાથ ધરી છે.
નવસારી શહેર તથા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકામાં મીની વાવાઝોડું ફૂંકાયું હતું. વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસતા અનેક ગામડાઓમાં વ્યાપક તારાજી સર્જાય હતી. વાવાઝોડાના કારણે ચીખલીના તલાવચોરા અને વાંસદાના સીણધઈ ગામમાં મોટું નુકસાન થયું છે.
ભારે પવન અને વરસાદને લીધે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા, અને ઘરોના પતરા ઉડી ગયા હતા. વૃક્ષો પડવાથી વાહનોને પણ નુકસાન થયું હતું, જ્યારે પતરા ઉડવાના કારણે કેટલાક લોકો ઘાયલ થયા હતા, તારે વાવાઝોડા બાદ વહીવટી તંત્રની વિવિધ એજન્સીઓ રાહત અને બચાવ કામગીરીમાં જોડાય છે.
આ તરફ, તંત્રની 11 જેટલી ટીમ ચીખલી તાલુકામાં સર્વેની કામગીરીમાં જોતરાઈ છે, ત્યારે વહીવટી તંત્રએ અસરગ્રસ્ત તલાવચોરા ગામની મુલાકાત લીધી હતી. તો બીજી તરફ, તૂટી પડેલા વીજ થાંભલાના સમારકામ અર્થે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પણ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.