ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવાના 15 વર્ષ પૂર્ણ, પાલીતાણા કેન્દ્રની કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ મુલાકાત લીધી

સમગ્ર ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવાના 15 વર્ષ પૂર્ણ થવાના અવસર પર કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ભાવનગર 108ની ટીમની પાલીતાણા ખાતે મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ 108ના ટીમના સભ્યો સાથે વાર્તાલાપ કરીને ઉચ્ચ જોખમ ધરાવતી સગર્ભા માતાઓની સંભાળ અને નવજાત શિશુ અંગેના કાર્યની નોંધ લીધી હતી અને 108ની ટીમના કાર્યની પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે જણાવ્યુ હતું કે, ભાવનગર જિલ્લામાં 108 ટીમ દ્વારા અનેકવાર એમ્બ્યુલન્સ જ પ્રસૂતિ કરવામાં આવે છે એ સમાચાર મળે એટલે મને દિલ્હીમાં ગૌરવની અનુભૂતિ થાય છે. અન્ય રાજ્યોમાં તે અંગેના હું દ્રષ્ટાંત સાથેના ઉદાહરણો પણ ટાંકું છું. 108ની ટીમ કોઈપણ અપત્કાલિન પરિસ્થિતિમાં સર્વોત્તમ કામગીરી કરતી આવી છે અને વાવાઝોડાની પરિસ્થિતિમાં પણ 108 સેવાનું ઉત્તમ પ્રદાન રહ્યું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં 75માં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી થઈ રહી છે, ત્યારે 108 સેવાને પણ આજે 15 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે તેનો આનંદ છે. ગુજરાતના પનોટા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે શરૂ કરવામાં આવેલી 108 સેવાએ છેલ્લાં 15 વર્ષ દરમિયાન 1.36 કરોડ લોકોને કટોકટી સમયમાં છેવાડાના નાગરિકો મદદરૂપ બની છે. લોકોપ્રિયતા, વિશ્વસનિયતા, કાર્યક્ષમતાના કારણે લોકો તરફથી મળતો અભૂતપૂર્વ પ્રતિસાદ વચ્ચે 108 એમ્બ્યુલન્સ સેવા ક્ષેત્રે દેશમાં ગુજરાત અગ્રીમ સ્થાને છે.