Connect Gujarat
ગુજરાત

પાટણ-કચ્છ સહિતના જિલ્લાઓમાં વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતો-વેપારીઓને નુકશાનની ભીતિ..!

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

X

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. પાટણ જિલ્લાના 3 તાલુકા સહિત કચ્છ જીલ્લામાં માવઠું આવતા ખેડૂત સહિત વેપારીઓને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, અને હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ઘણા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, ત્યારે પાટણ જિલ્લામાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. વરસાદને કારણે રાધનપુર APMCમાં ખુલ્લામાં પડેલો જણસનો માલ પલડી ગયો હતો. રાધનપુર માર્કેટયાર્ડમાં ઘઉં, એરંડા, ચણાના જણસની આવક વધુ હોવાથી માલ રાખવા માટે રાધનપુર APMC દ્વારા શેડની મોટી વ્યવસ્થા કરવામાં આવી છે. છતાં માલની આવક બહુ હોવાના કારણે વેપારીઓએ ખરીદેલો માલ બહાર રહી જતાં લાખોનું નુકશાન થયું છે.

તો બીજી તરફ, રાજ્યના હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જીલ્લામાં પણ વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થયો હતો. જેમાં રાપર તથા આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદના લીધે ખેતરોમાં તૈયાર જીરું, કપાસ, રાયડા, ઇસબગુલ, ઘઉં સહિતના રવિપાકને નુકશાન થશે તેવું રાપરના ખેડૂત આગેવાન પ્રકાશ પટેલે જણાવ્યું હતું. રાપર સહિત વાગડ વિસ્તારના લગભગ તમામ ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદ સાથે પવન પણ રહેતા રવિ પાકને નુકશાન થવાની શક્યતા વધી છે.

Next Story