-
ત્રણ નગરપાલિકની યોજાશે ચૂંટણી
-
ચૂંટણીને લઇ રાજકીય પક્ષોમાં ઉત્તેજના વ્યાપી
-
જિલ્લા વહીવટી તંત્રે ચૂંટણીની તૈયારી કરી પૂર્ણ
-
જિલ્લા કલેકટર દ્વારા યોજાઈ સમીક્ષા બેઠક
-
પોલીસ તંત્ર દ્વારા પણ ખડકાયો બંદોબસ્ત
વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાની યોજાઈ રહેલી ચૂંટણી માટે તંત્ર સજ્જ થઈ ગયું છે,ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને નિર્વિઘ્ને પાર પાડવા માટે ચૂંટણી અધિકારી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી,જ્યારે પોલીસ વિભાગ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લાની પારડી,ધરમપુર અને વલસાડ નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે તંત્ર દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવેએ અધિકારીઓની સાથે એક બેઠક યોજી હતી.અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.
વલસાડ નગરપાલિકાના કુલ 44 બેઠકોમાંથી 7 બેઠકો અગાઉથી જ ભાજપના ફાળે બિનહરીફ થઈ ગઈ હોવાથી બાકી બચેલી 37 બેઠકો માટે યોજાનાર ચૂંટણીમાં 105 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.શહેરના 98,467 મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.અને ચૂંટણીમાં 440 કર્મચારીઓનો કાફલો ફરજ બજાવશે.જ્યારે પારડી નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.આથી બાકી બચેલી 27 બેઠકો પર કુલ 58 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.શહેરના 24,149 મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.અને ધરમપુર નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી તમામ 24 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે.જેમાં કુલ 49 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. શહેરના 20,654 મતદારો ઉમેદવારના ભાવિનો ફેંસલો કરશે.ત્યારે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.