-
કોલેજના વિદ્યાર્થીઓની મજા માતમમાં ફેરવાઇ
-
વાપી કોલેજના વિદ્યાર્થીઓ નદીમાં ન્હાવા માટે ગયા હતા
-
કોલક નદીમાં પાંડવ કુંડમાં ન્હાવા જતા સર્જાઈ કરુણાંતિકા
-
ચાર વિદ્યાર્થીઓ નદીમાં ડૂબી જતા કરુણ મોતને ભેટ્યા
-
રિક્ષા ચાલકને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો
વલસાડ જિલ્લાના કપરાડાના રોહિયાળ તલાટ ગામે કોલક નદીમાં બે યુવાન ન્હાવા પડ્યા બાદ ડૂબવા લાગ્યા હતા. તેમને રિક્ષા ચાલક સહિત ત્રણ બચાવવા નદીમાં પડતા જોતજોતામાં પાંચેય નદીમાં ગરક થઈ ગયા હતા.લોકો દોડી ગયા બાદ પાંચેયને બહાર કાઢી હોસ્પિટલમાં લઇ જતા ચારને મૃત જાહેર કર્યા હતા.જ્યારે રિક્ષા ચાલકનો બચાવ થયો હતો.
વાપીની કે.બી.એસ.કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા સાત યુવાનો મંગળવારે વલસાડ જિલ્લાના કપરાડાના રોહિયાળ તલાટ ગામે કોલક નદીમાં આવેલ પાંડવ કુંડ ખાતે બે ઓટો રિક્ષામાં ફરવા ગયા હતા.તે દરમિયાન તમામ યુવાનો કોલક નદી કિનારે પહોંચ્યા હતા.
જ્યાં બે યુવાનો ન્હાવા પડતા ડૂબવા લાગતા રિક્ષા ચાલક સહિત ત્રણ યુવાનો બચાવવા પડયા હતા.પરંતુ પાંચેય યુવાનો નદીના પાણીમાં ગરક થઈ ગયા હતા. અન્ય યુવાનોએ ભારે બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા.
ઘટનાને પગલે પોલીસ, સરપંચ પણ પહોંચી ગયા બાદ લોકોએ પાંચ યુવાનો ધનંજય લીલાઘર ભોંગળે, આલોક પ્રદિપ શાહે, અનિકેલ સંજીવસીંગ, લક્ષ્મણપુરી અશોકપુરી ગોસ્વામી અને રિક્ષા ચાલક દેવરાજ કેશવ વાનખેડેને નદીના પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
અને તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા,જ્યાં ચાર વિદ્યાર્થીઓ ધનંજય ભોંગળે, આલોક શાહે, અનિકેલ સિંગ અને લક્ષ્મણપુરી ગૌસ્વામીને મૃત જાહેર કરાયા હતા. જ્યારે રિક્ષા ચાલક દેવરાજ વાનખેડેનો બચાવ થયો હતો.
કપરાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.વાપીની કે.બી.એસ.કોલેજમાં અભ્યાસ કરતા ચારેય વિદ્યાર્થીઓના મોતને પગલે પરિવારજનો પર આભ તૂટી પડયું હતું. કોલેજના વિદ્યાર્થીઓને પણ જાણ થતા શોકની કાલીમા પ્રસરી ગઇ હતી.