વલસાડ જિલ્લાના સરોધી ગામની ચકચારી ઘટના
માર્ગ પર ફસાયેલી કારની મદદે આવ્યા હતા યુવકો
મદદ કરનાર યુવકોને પોલીસ દ્વારા હેરાનગતિ કરાય
નિર્દોષ યુવકોને માર મારી અટકાયત થતાં લોકોમાં રોષ
યુવકોને છોડાવવા લોકોનું ટોળું પોલીસ મથકે પહોચ્યું
વલસાડ જિલ્લાના સરોધી ગામમાં માર્ગ પર ફસાયેલી કારની મદદે આવેલા યુવકોને પોલીસે માર માર્યો હતો. એટલું જ નહીં, પોલીસ દ્વારા નિર્દોષ યુવકોની ખોટી રીતે અટકાયત થતાં ગામલોકોમાં ભારે રોષ ફેલાયો હતો.
વલસાડ જિલ્લાના સરોધી ગામમાં રેતીના પ્લાન્ટના કારણે સર્જાયેલી સમસ્યાઓએ મોટો વિવાદ ઊભો કર્યો છે. રેતીના પ્લાન્ટમાં આવતા ભારે વાહનોના સતત અવરજવરથી ગામનો માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે. મોડી રાત્રે આ જ બિસ્માર માર્ગ પર એક ઇનોવા કાર ફસાઈ ગઈ હતી. કાર ચાલકની મદદ માટે ગામના કેટલાક યુવકો દોડી આવ્યા હતા. જોકે, ગામલોકોનો ગંભીર આક્ષેપ છે કે, આ યુવકો જ્યારે કારને બહાર કાઢી રહ્યા હતા, ત્યારે પોલીસે ખોટી રીતે તેમની સાથે મારઝૂડ કરી અને તેમને ડિટેન કર્યા હતા.
પોતાના યુવકોને છોડાવવા માટે મોડી રાત્રે મોટી સંખ્યામાં ગ્રામજનોનું ટોળું પોલીસ સ્ટેશન ખાતે ભેગું થયું હતું. ગામલોકોએ ભારે હોબાળો મચાવી રેતીના પ્લાન્ટના કારણે ગામના રસ્તાઓ બિસ્માર બન્યા હોવા ઉપરાંત ખેતરો પણ ખરાબ થયા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમનો મુખ્ય વિરોધ એ વાત પર હતો કે, જે યુવકો વારંવાર માર્ગ પર ફસાઈ જતા વાહનોને નિ:સ્વાર્થ ભાવે મદદ કરવા જાય છે. તે જ યુવકોને પોલીસે અટકાયતમાં લીધા છે.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, માત્ર 2 દિવસ પહેલા જ તેમણે આ બિસ્માર માર્ગને લઈને પ્રશાસનને આવેદન પત્ર પણ આપ્યું હતું, તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, ત્યારે આ ઘટનાએ રેતીના પ્લાન્ટથી સર્જાતી સમસ્યાઓ પ્રત્યે પ્રશાસનની બેદરકારીને ઉજાગર કરી છે.