-
દમણમાં હિપ્નોટાઈઝ કરતી મદારી ગેંગનો આતંક
-
પોલીસે ગેંગનો કર્યો પર્દાફાશ
-
દમણ પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ
-
મુખ્ય માસ્ટર માઈન્ડ ગાઝિયાબાદથી ઝડપાયા
-
પોલીસે ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
દમણમાં મોટી ઉંમરની મહિલાઓને ભોળવી તેમને તંત્ર,મંત્ર અને ચમત્કારની વાતો કરી હિપ્નોટાઈઝ કરી દાગીના પડાવી લેતી એક ગેંગ સક્રિય થઇ હતી.આ ગેંગના બે સાગરીતોની પોલીસે ધરપકડ કરી છે.આ મદારી ગેંગે અત્યાર સુધી 200 થી વધુ ગુનાઓને અંજા આપ્યો હોવાનું પણ જાણવા મળ્યુ છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં છેલ્લા કેટલાક સમયથી એકલદોકલ વૃદ્ધ મહિલાઓને વિશ્વાસમાં લઈ તેમના પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ પડાવી લેવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.જે બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા.દમણના કચીગામ, સોમનાથ ડાભેલ વિસ્તાર અને આંટિયાવાડ વિસ્તારમાં ત્રણ દિવસમાં ત્રણ મહિલાઓને વિશ્વાસમાં લઈ તેમનું વશીકરણ કરી અને સોના ચાંદીના દાગીના પડાવી અને અજાણ્યા બે શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓને શોધવા તપાસ શરૂ કરી હતી.
દમણ પોલીસે વશીકરણ કરી ઠગાઈ આચરતા આ ગેંગને ઝડપવા દમણ અને વાપીના રસ્તાના 250 થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા.સાથે જ આસપાસના વિસ્તારના 80 થી વધુ હોટેલ અને ગેસ્ટ હાઉસમાં પણ તપાસ કરી હતી. આખરે પોલીસને મળેલા કેટલાક સબૂતને આધારે પોલીસે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી મૂળ ફરીદાબાદના બે આરોપીઓને દબોચી લેવામાં સફળતા મળી છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં ઈરફાન શાકિર અહેમદ અને સિકલ ઉર્ફે શેરખાન સાથે તેમને મદદ કરનાર દમણથી એક રિક્ષા ચાલક રાધે કુમાર યાદવને પણ દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
દમણ પોલીસની તપાસમાં દમણમાં આચરેલા ત્રણ ગુનાઓના ભેદ ઉકેલાયા છે. આરોપીઓએ કચીગામ, ડાભેલ સોમનાથ અને આંટિયાવાડમાં મહિલાઓને હિપ્નોટાઈઝ કરી તેમના દાગીના પડાવી લીધા હોવાની દાખલ થયેલી ફરિયાદના ભેદ ઉકેલ્યા છે ,અને આરોપીઓ પાસેથી સોનાના 28 ગ્રામના દાગીના, રિક્ષા, રોકડ રકમ અને મોબાઈલ મળી અંદાજે 3.10 લાખ રૂપિયા થી વધુનો મુદ્દામાલ કબજે કર્યા છે. આરોપીઓએ અત્યાર સુધી 200 થી વધુ ગુનાઓ આચર્યા હોવાનું પોલીસ સમક્ષ કબુલ કર્યું છે. આથી દમણ પોલીસે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ પર લઈ આરોપીઓના ગુનાહિત ભૂતકાળ અંગે પણ તપાસ તેજ કરી છે.