-
OLX પર ડીલ થયેલી ચોરીની બાઇક વેંચવાનો મામલો
-
સુરતના અડાજણ ખાતેથી યુવકે કરી હતી બાઈકની ચોરી
-
ચોરીની બાઇક વલસાડમાં વેંચવા આવતા યુવક ઝડપાયો
-
આરોપી IT કંપનીમાં નોકરી કરતો હોવાનું બહાર આવ્યું
-
બેટિંગ એપ પર દેવું વધી જતાં કરી હતી તસ્કરી : પોલીસ
હાલ ચાલી રહેલી IPLમાં ડ્રિમ-11 પર ટીમ બનાવી કરોડપતિ બનવામાં અનેક યુવાનો બરબાદ થઈ રહ્યા છે. ક્રિકેટ બેટિંગ એપ પર પૈસા લગાવી અનેક યુવાનોએ પૈસા ગુમાવ્યા છે, ત્યારે વલસાડ પોલીસે એક એવા તસ્કરને પકડ્યો છે જે IT ફિલ્ડમાં નોકરી કરે છે. જેને ક્રિકેટ બેટિંગ એપના કારણે દેવું થઈ જતાં તસ્કરીના રવાડે ચઢ્યો હતો.
વલસાડ સીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે પોલીસે એક બાઈક ચોરને ચોરેલી બાઈક સાથે ઝડપી પાડ્યો હતો. બાઈક ચોરની પોલીસે પૂછપરછ હાથ ધરતા બાઈક ચોરીની હોવાની કબૂલાત આપી હતી. પોલીસે બાઈક ચોરને પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ કરતા સુરતના અડાજણ ખાતેથી બાઈક ચોરી કરી OLX પર બાઇકને વેચવા માટે મુકી હતી, અને તે બાઈક વેચવા માટે વલસાડ ખાતે આવ્યો હતો.
જોકે, આ દરમિયાન OLX પર જે ગ્રાહક સાથે વાતચીત ચાલતી હતી. તે ગ્રાહકે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ બાઈક ચોરની ચોરેલી બાઇકનું પેટ્રોલ પૂરું થતા તે બાઈક સરવાણી એપાર્ટમેન્ટમાં મુકી ત્યાંથી પરત સુરત જઈ રહ્યો હતો. આ દરમિયાન પોલિસે આરોપી અભિષેક દિનેશ રાયઠઠ્ઠાને ઝડપી પાડ્યો હતો.
આ આરોપી સુરતની ખાનગી IT કંપનીમાં નોકરી કરે છે. IT કંપનીમાં નોકરી કરતા અભિષેક રાયઠઠ્ઠાને ક્રિકેટ બેટિંગ એપ પર બેટિંગ કરવાનો ભારે શોખ હતો. IPL મેચ ઉપર ક્રિકેટ બેટિંગ એપ ઉપર પોતાનો પગાર અને અન્ય પૈસા લગાવી હારી ગયો હતો. ત્યારબાદ તેણે અન્ય લોકો પાસેથી પૈસા લઈ બેટિંગ એપ ઉપર લગાડ્યા હતા, ત્યારે દેવાદાર બનેલો અભિષેક રાયઠઠ્ઠા તસ્કરીના રવાળે ચઢ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.