અબ્રામા વિસ્તારમાં રહેતા પંજાબી પરિવારે ખાધા હતા સમોસા
વાસી સમોસાં ખાતા એક મહિલા, 2 બાળકોની તબિયત લથડી
તમામને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
હોસ્પિટલમાં સારવાર દરમિયાન 35 વર્ષીય મહિલાનું થયું મોત
મોતનું સાચું કારણ જાણવા ફોરેન્સિક રિપોર્ટ સાથે પોલીસ તપાસ
વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં રહેતા પંજાબી પરિવારના સભ્યોએ વાસી સમોસા ખાતા ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. જે બાદ મહિલાનું મોત નીપજયું હતું, જ્યારે અન્ય 2 બાળકોની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં રહેતા એક પંજાબી પરિવારના સભ્યોએ ગત મંગળવારના રોજ વાસી સમોસા ખાધા હતા. જે બાદ પરિવારની મહિલા અને 2 બાળકોની તબિયત લથડી હતી. જેથી નજીક રહેતા પરિવારના અન્ય સભ્યોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં પરિવારના સભ્યોની પૂછપરછ કરતા તેઓએ સમોસા ખાધા બાદ પેટમાં દુઃખાવો અને ઉલટી જેવું થવા લાગ્યું હતું. જેને લઈને માતા અને 2 બાળકોએ રિવાઇટેલ નામની ગોળી ખાધી હતી.
જોકે, તબીયતમાં સુધારો ન આવતા પરિવારના સભ્યોને 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે દીકરા અને દીકરીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ વલસાડ સીટી પોલીસ કાફલો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચી મહિલાના મૃતદેહને PM અર્થે ખસેડ્યો હતો. જોકે, રિપોર્ટમાં મૃતક મહિલાના જઠળમાંથી ઝેરના કોઈ ચોક્કસ પુરાવાઓ મળ્યા ન હતા. જેથી પેનલ PMનો રિપોર્ટ આવ્યા બાદ આગળની તજવીજ હાથ ધરવામાં આવશે. આ મામલે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતકના પરિવારના સભ્યોએ જે લારી પરથી સમોસા ખરીદી કર્યા હતા, તે બાબતે પૂછપરછ કરવામાં આવી હતી. લારી ઉપરથી વેચાયેલા સમોસાને લઈને અન્ય કોઈ વ્યક્તિને કોઈ અસર થઈ છે કે, કેમ તે દિશામાં તપાસ હાથ ધરી હતી. જોકે, PMના પ્રાથમિક રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગ શંકાસ્પદ લાગી રહ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતું.