ઉમરગામ GIDCમાં DRI દ્વારા બોલાવાયો સપાટો
DRIએ નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો
ફેક્ટરીમાં MD ડ્રગ્સ બનાવવાની ચાલતી પ્રોસેસિંગ
અંદાજે રૂ. 25 કરોડનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો
17.330 કિલો MD ડ્રગ્સ 3 શખ્સોની ધરપકડ કરાય
વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCમાં DRIએ સપાટો બોલાવી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. DRIએ સ્થળ પરથી અંદાજે રૂ. 25 કરોડની કિંમતના 17.330 કિલો MD ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સોને દબોચી લીધા હતા.
વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCના સેકન્ડ ફેસમાં 404 નંબરના પ્લોટમાં ચાલતી એક ફેક્ટરીમાં MD ડ્રગ્સ બનાવવાના મસમોટા રેકેટનો DRIએ પર્દાફાશ કર્યો છે. આ કેસમાં અત્યાર સુધી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. DRIએ ધરપકડ બાદ રેકેટના માસ્ટર માઈન્ડ વિક્રાંત પટેલ ઉર્ફે વિકી, ટેકનીશિયન કલ્પેશ ડોડીયા અને કર્મચારી અજય કુમાર મહાતો નામના આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આથી આ રેકેટના મૂળ સુધી પહોંચવા DRIએ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા કેટલાક સમયથી દેશમાં નશાના કાળા કારોબારના કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે. આ દરમિયાન બાતમીના આધારે DRIએ પૂરી તૈયારી સાથે ઉમરગામ GIDCમાં સૌરભ ક્રીએશન નામથી ચાલતી એક ફેક્ટરી પર રેડ કરી હતી. આ દરમિયાન ફેક્ટરીમાં સાધનો ગોઠવી કેમિકલ પ્રોસેસિંગ ચાલી રહ્યું હતું. સ્થળ પર હાજર 3 આરોપીઓની પૂછપરછ કરતા ફેક્ટરીમાં MD ડ્રગ્સ બનાવવાનું પ્રોસેસિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન DRIએ સ્થળ પરથી અંદાજે 25 કરોડ રૂપિયાની કિંમતના 17.330 કિલો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી ત્રણે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.