ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પહેલીવાર સંકુલના પગથિયા પર પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે યુવા કોંગ્રેસના નેતાઓએ ભાજપનું પૂતળું સળગાવીને પેપર લીક કૌભાંડો સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, ત્યારે પૂતળા દહન કરનાર તમામ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ગુજરાતમાં એક બાદ એક સરકારી ભરતીની પરીક્ષાના વધુ એક પેપર લીક થવાનો મામલો સામે આવ્યો છે.
ગત રોજ વન રક્ષક ભરતીનું પેપર લીક થયું હતું, ત્યારે યૂથ કોંગ્રેસ દ્વારા ઇતિહાસમાં પહેલી વાર વિધાનસભાની સીડી સુધી પોહચી પૂતળા દહન કરવામાં આવ્યું હતું. જેમાં યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ વાઘેલા સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ વિધાનસભામાં ધસી જઈ સરકારનું પૂતળું બાળ્યું હતું, ત્યારે સુરક્ષાના દાવા કરતી પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં યુથ કોંગ્રેસના કાર્યકરો વિધાનસભા સુધી પોહચી પૂતળા દહન કર્યું હતું, ત્યારે હાલ તો યૂથ કોંગ્રેસનાં તમામ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.