Connect Gujarat
દેશ

વિદ્યાર્થીઓએ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ પહેલા UGC માન્યતાની ખરાઈ કરી લેવી જરૂરી

વિદ્યાર્થીઓએ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ પહેલા UGC માન્યતાની ખરાઈ કરી લેવી જરૂરી
X

ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ભારત દેશમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનર (UGC) સમગ્ર ઉચ્ચ શિક્ષણનું નિયમન કરે છે. યુજીસી એક્ટની જોગવાઈ હેઠળ UGC દ્વારા કાયદેસરની માન્યતા તેમજ કેન્દ્ર કે રાજ્યના કાયદાથી સ્થપાયેલ હોય તેવી જ યુનિવર્સિટી કે સંસ્થા ડિગ્રી એનાયત કરી શકે છે. રાજ્યમાં કાર્યરત ઉચ્ચ શિક્ષણની તમામ કોલેજોને સંબંધિત યુનિવર્સિટી દ્વારા જોડાણ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે ઓથોરિટી તેનાથી વિરુદ્ધ માન્ય વિના કોર્સ ચલાવી શકે નહી કે ડિગ્રી એનાયત કરી શકે નહી. તદ્ઉપરાંત આ હેતુ માટે UGCની જોગવાઈ હેઠળ ‘ડિગ્રી સ્પેસિફીકેશન’ પણ વખતોવખત જાહેર કરવામાં આવે છે. ‘ડિગ્રી સ્પેસિફિકેશન’ મુજબ BBAની ડિગ્રી માન્ય ન હોય તેવી કોઈપણ યુનિવર્સિટી-સંસ્થા આપી શકે નહી તેમ ઉચ્ચ શિક્ષણ કમિશનરની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર UGC દ્વારા માન્ય ન હોય તેવી કોલેજ/સંસ્થા/ઈન્સ્ટીટ્યુટ/ઓફ કેમ્પસ સેન્ટર/સ્ટડી સેન્ટર, ફ્રેન્ચાઈઝી ઈન્સ્ટીટ્યુટ, ખાનગી કે ડિમ્ડ યુનિવર્સિટી સાથે સંલગ્ન હોવાનો દાવો કરતી હોય તેવી ઈન્સ્ટીટ્યુટ/સંસ્થા કોલેજમાં પ્રવેશ ન લેવા વિદ્યાર્થીઓને ચેતવવામાં આવે છે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવતાં અગાઉ સંબંધિત સંસ્થાને રાજ્ય સરકાર તેમજ સંબંધિત યુનિવર્સિટીએ કોર્સ ચલાવવા માટે કાયદેસર માન્યતા આપી છે કે કેમ તેની ખરાઈ-ચકાસણી કરીને પ્રવેશ લેવા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગ મોડ હેઠળ આપવામાં આવતા ડિગ્રી બાબતમાં હયાત નીતિ અનુસાર સ્ટેટ યુનિવર્સિટી (પબ્લીક અને પ્રાઈવેટ બંને) જે રાજ્યમાં તેની સ્થાપના કરવામાં આવી હોય તે સિવાયના અન્ય રાજ્યમાં ઓફ કેમ્પસ/સ્ટડી સેન્ટર સ્થાપી શકે નહી, તેમજ જે તે રાજ્યમાં પણ ઓફ કેમ્પસ/સ્ટડી સેન્ટર સ્થાપવા માટે UGCની પૂર્વ પરવાનગી મેળવવાની રહે છે, તે જ રીતે ડિમ્ડ યુનિવર્સિટીએ તેના મુખ્ય કેમ્પસની બહાર ઓફ કેમ્પસ/સ્ટડી સેન્ટર સ્થાપવા UGCની પૂર્વ મંજુરી મેળવવાની રહે છે.

Next Story