/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/5-7-2019-Rose-Farming.jpg)
વીસ વર્ષથી ગુલાબની ખેતી કરતા વલસાડ તાલુકાના એંદર ગોટા ગામના મોહનભાઇ પટેલ પરંપરાગત ખેતી છોડી ગુલાબની આધુનિક ખેતી કરી અઢળક ઉત્પાદન થકી સારી એવી આવક મેળવી રહ્યા છે. મોહનભાઇ નવા-નવા અનુભવોને આધારે ખેતીમાં સુધારા કરતા રહ્યા છે.
મોહનભાઇની ખેતી અંગેની જાણવાની જિજ્ઞાશા અંતે આત્મા પ્રોજેક્ટમાં દોરી ગઇ હતી. આત્મા પ્રોજેક્ટ વલસાડ દ્વારા આયોજીત તાલીમ, પ્રેરણા પ્રવાસ વગેરે પ્રવૃત્તિમાં ભાગ લઇ ગુલાબની ખેતીમાં સુધારા કરતા ગયા. ગુલાબની સફળ ખેતી માટે મોહનભાઇ રાજ્ય સરકાર દ્વારા યોજાતા કૃષિ મહોત્સવનો આભાર માનતાં જણાવે છે કે, ગુલાબની ખેતી માટે જમીન તૈયાર કરવી ખુબજ અગત્યની બાબત છે. જમીનની ઊંડી ખેડ કર્યા બાદ જમીનના પાયામાં કોહવાયેલુ છાણીયું ખાતર, પોલ્ટ્રીનું ખાતર અને ડી.એ.પીનો ઉપયોગ કરવો. સારી ગુણવત્તા ધરાવતા અને બજાર અનુસાર ગુલાબની વેરાયટી પસંદગી કરવી જાઇએ. ગુલાબના મુખ્ય છોડ સાથે ટ્રેપ ક્રોપ તરીકે પીળા ગુલાબની રોપણી કરવી, જેથી મુખ્ય પાક પર આવતા રોગ અને જીવાત પહેલા ટ્રેપ ક્રોપ પર આવવાથી મુખ્ય છોડ પર આવનાર રોગ-જીવાતને ઓળખી શકાય અને તેનુ નિયંત્રણ કરી શકાય. જેથી સારી ગુણવત્તા અને વધુ ઉત્પાદન મેળવી શકાય.
વોટર સોલ્યુબલ ખાતરનો સમયાંતરે છંટકાવ કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. બજાર માંગને ધ્યાનમાં રાખી ફુલોનું ઉત્પાદન લેવા માટે છોડનું વીસથી પચ્ચીસ દિવસ પહેલા ઓછું પ્રુનિંગ કરવું. ફુલોની માંગ ઓછી હોય તેવા સમયે છોડનું વધારે પ્રુનિંગ કરવું જાઇએ ગુલાબમાં આવતી ચુસીયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે યલ્લો સ્ટીકી ટ્રેપ લગાવવાથી દવાનો ખર્ચ તેમજ નિંદામણ નાશ કરવા માટે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો મજુરી ખર્ચમાં ઘટાડો કરી શકાય છે. સાથે સાથે ફુલોને બજારમાં લઇ જતા પહેલા ફુલોનું ગ્રેડિંગ કરવું જાઇએ. જેથી સારી ગુણવત્તા ધરાવતા ફુલો થવાથી તેના બજારમાં ભાવ સારા મળી રહે છે. ગુલાબની ખેતી થકી મોહનભાઇને વાર્ષિક સારું એવું ઉપાર્જન મળી રહ્યા છે. આમ, મોહનભાઇ ગુલાબની ખેતીની આવક થકી પોતાનું જીવન મહેકાવી રહ્યા છે.