કર્ણાટકના રાયચુર અને યલ્લાપુરાથી માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટ્રક યલ્લાપુરામાં 50 મીટર ઊંડી ખીણમાં પડી ગયો હતો. બન્ને ઘટનાઓમાં કુલ 14 લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
કર્ણાટકના રાયચુર અને યલ્લાપુરાથી માર્ગ અકસ્માતના સમાચાર આવ્યા છે. રાયચુરમાં એક વાહન પલટી જતાં 3 વિદ્યાર્થીઓ સહિત 4 લોકોના મોત થયા હતા, અને અન્ય 10 લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ સિંધનુર પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી. ઉપરાંત, મૃતદેહોને શબઘરમાં લઈ જવામાં આવ્યા હતા, અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સિંધનુર ટ્રાફિક પોલીસ સ્ટેશને આ મામલે કેસ નોંધ્યો છે.
આ વાહનમાં મંત્રાલય સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ હતા. જેઓ નરહરિ મંદિરમાં પૂજા કરવા માટે હમ્પીની યાત્રા પર હતા. પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત સિંધનુરના અરાગિનમારા કેમ્પ પાસે થયો હતો.
તો બીજી તરફ, યલ્લાપુરામાં એક ટ્રક 50 મીટર ઊંડી ખીણમાં પડી ગયો હતો. ટ્રકમાં સવાર બધા શાકભાજી વિક્રેતાઓ ફળો વેચવા માટે સાવનુરથી યેલાપુરા મેળા તરફ જઈ રહ્યા હતા. ઉત્તર કન્નડના પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, સાવનુર-હુબલી રોડ પર મુસાફરી દરમ્યાન જંગલ વિસ્તારમાં અકસ્માત થયો હતો.
ટ્રક ચાલકે બીજા વાહનને રસ્તો આપવાનો પ્રયાસ કરતી વખતે એકદમ ડાબી બાજુ વળાંક લીધો અને 50 મીટર ઊંડી ખાડીમાં ટ્રક પડી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ખીણમાં રસ્તા પર કોઈપણ સલામતી દિવાલ નહોતી, જેથી આ અકસ્માત સર્જાયો હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.