શીખોના પવિત્ર ધાર્મિક સ્થળ સુવર્ણ મંદિરમાં (Air Defense Gun At Golden Temple) એર ડિફેન્સ ગન તૈનાત કરવા અંગે હવે સેનાનું સત્તાવાર નિવેદન બહાર આવ્યું છે. સેનાએ હવે સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ ગન તૈનાત કરવાનો સત્તાવાર રીતે ઇનકાર કર્યો છે (Army Denies AD Gun In Golden Temple). હકીકતમાં, 19-મેના રોજ એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે સુવર્ણ મંદિર પર પાકિસ્તાનના હુમલાને રોકવા માટે એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવી હતી. બીજા જ દિવસે, 20 મેના રોજ, સુવર્ણ મંદિરના મેનેજમેન્ટે આ દાવાને નકારી કાઢ્યો.
એક દિવસ પહેલા 20-મેના રોજ, સુવર્ણ મંદિરના મેનેજમેન્ટે વરિષ્ઠ સૈન્ય અધિકારી દ્વારા કરવામાં આવેલા દાવા અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે સેના અધિકારીના નિવેદનને આઘાતજનક ગણાવ્યું. X (અગાઉ ટ્વિટર) પર પ્રકાશિત એક નિવેદન અનુસાર, શ્રી હરમંદિર સાહિબના મુખ્ય ગ્રંથી જ્ઞાની રઘબીર સિંહે પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓ સૈન્ય કાર્યવાહી દરમિયાન વિદેશ પ્રવાસ પર હતા. શ્રી દરબાર સાહિબમાં બંદૂકો તૈનાત કરવા અંગે તેમની સાથે કોઈ ચર્ચા થઈ ન હતી કે આવી કોઈ ઘટના બની ન હતી.
આ પહેલા 19-મેના રોજ સમાચાર એજન્સી ANI એ આર્મી એર ડિફેન્સના ઇન્ચાર્જ લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન ડી'કુન્હાનો ઇન્ટરવ્યુ પ્રકાશિત કર્યો હતો. આમાં, ડી'કુન્હાએ દાવો કર્યો હતો કે સુવર્ણ મંદિરના મુખ્ય ગ્રંથીએ અમને હવાઈ સંરક્ષણ બંદૂકો તૈનાત કરવાની પરવાનગી આપી હતી. ઘણા વર્ષોમાં આ પહેલી વાર છે જ્યારે તેઓએ સુવર્ણ મંદિરની લાઇટો બંધ કરી દીધી છે જેથી પાકિસ્તાનથી આવતા ડ્રોન જોઈ શકાય અને હુમલાને નિષ્ફળ બનાવી શકાય.