ઉત્તર પ્રદેશના કાનપુર બાદ રાજસ્થાનમાં પણ ટ્રેન ઉથલાવવાનું કાવતરું પ્રકાશમાં આવ્યું છે. અજમેરના સરથાણામાં રેલવે ટ્રેક પર સિમેન્ટના બે બ્લોક મૂકીને માલગાડીને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જાણવા મળ્યા મુજબ રવિવારે મોડી સાંજે ભિવાની જતી કાલિંદી એક્સપ્રેસ અનવરગંજ-કાસગંજ રેલવે લાઈન નજીક બર્રાજપુર અને બિલ્હોર વચ્ચે ટ્રેક પર મૂકી રાખેલા ભરેલા એલપીજી ગેસ સિલિન્ડર સાથે ભટકાઈ ગઈ હતી.અને લોકો પાયલટે ટ્રેન અટકાવી દીધી હતી. જો કે, કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ ઘટનાસ્થળે પેટ્રોલથી ભરેલી બોટલ, માચિસ અને એક શંકાસ્પદ થેલો પણ મળી આવ્યો હતો.
તેમાં માચિસ અને વિસ્ફોટક મૂકી રાખવામાં આવ્યા હતા. ઘટના બાદ લગભગ 25 મિનિટ સુધી ટ્રેન ત્યાં જ રોકાઈ હતી.આ ઘટના અંગે આરપીએફ ઈન્સપેક્ટર ઓ.પી.મીણાએ જણાવ્યું કે,કેમેરાના ફૂટેજના આધારે બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
જ્યારે રાજસ્થાનના અજમેરના માંગલિયાવાસ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર અજાણ્યા લોકોએ લગભગ 70 કિલો વજનના સિમેન્ટના બ્લોક મૂકીને ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે ટ્રેન સિમેન્ટના બ્લોક તોડીને આગળ પસાર થઈ હતી અને કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી.
આ મામલે DFCCના કર્મચારી રવિ અને વિશ્વજીતે માંગલિયાવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બંને કર્મચારીઓએ પોલીસને જણાવ્યું કે, આઠમી સપ્ટેમ્બરે રાત્રે લગભગ 10.30 વાગે રેલવે ટ્રેક પર સિમેન્ટ બ્લોક હોવાની માહિતી મળી હતી. જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ટ્રેક પર સિમેન્ટના બ્લોક પડ્યા હતા.આ ઉપરાંત કેટલાક અંતરે અન્ય એક બ્લોક તૂટેલા જોવા મળ્યા હતા. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.