Connect Gujarat
દેશ

રાજસ્થાન કોંગ્રેસમાં બધુ બરાબર છે..? : સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે સમાધાન, મુખ્ય મુદ્દાઓ હજુ વણઉકેલ્યા..!

છેલ્લા ઘણા સમયથી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલો વિવાદ ભલે ઉકેલાઈ ગયો હોય,

રાજસ્થાન કોંગ્રેસમાં બધુ બરાબર છે..? : સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે સમાધાન, મુખ્ય મુદ્દાઓ હજુ વણઉકેલ્યા..!
X

સચિન પાયલોટના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગેહલોત અને પાયલટ વચ્ચે ચાલી રહેલા ઝઘડાને સમાપ્ત કરવા માટે પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે યોજાયેલી બેઠકમાં તેમના મુખ્ય મુદ્દાઓનો કોઈ ઉકેલ આવ્યો ન હતો.

છેલ્લા ઘણા સમયથી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલો વિવાદ ભલે ઉકેલાઈ ગયો હોય, પરંતુ પાયલટના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, રાજસ્થાન કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના મુખ્ય મુદ્દાઓ હજુ પણ વણઉકેલ્યા છે. વાસ્તવમાં કોંગ્રેસે દાવો કર્યો છે કે, રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી ભાજપ વિરુદ્ધ એકજૂટ છે. કોંગ્રેસે સોમવારે કહ્યું હતું કે, બંને નેતાઓ પાર્ટીના પ્રસ્તાવ પર સંમત થયા છે, અને આગામી વિધાનસભા ચૂંટણી એકજૂથ થઈને લડશે. બંને નેતાઓએ તમામ મુદ્દાઓ હાઈકમાન્ડ દ્વારા ઉકેલવા માટે છોડી દીધા છે. જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાલી રહેલા ઝઘડાને સમાપ્ત કરવા માટે પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે ગેહલોત અને પાયલોટ વચ્ચેની બેઠકમાં તેમના મુખ્ય મુદ્દાઓ પર કોઈ નિરાકરણ આવ્યું નથી. તેમણે એમ પણ કહ્યું કે, ખડગે અને રાહુલ ગાંધી પહેલા 2 કલાક ગેહલોતને મળ્યા અને પછી સચિન પાયલટને મળ્યા. બેઠક બાદ તમામ નેતાઓએ ખડગેના નિવાસસ્થાને એકસાથે તસવીરો પણ ખેંચાવી હતી. રસપ્રદ વાત એ છે કે, એક જ સ્થળે બેઠક યોજાય હોવા છતાં પાર્ટી નેતૃત્વએ ગેહલોત અને પાયલોટ સાથે અલગ-અલગ ચર્ચા કરી હતી. તે જ સમયે, જ્યારે ગેહલોત અને પાયલોટ પાર્ટીના મહાસચિવ કેસી. વેણુગોપાલ સાથે ખડગેના નિવાસસ્થાને બેઠક પછી બહાર આવ્યા, ત્યારે તેઓએ મીડિયા સાથે વાત કરી ન હતી. તેની બોડી લેંગ્વેજ પણ સાવ અલગ હતી. જણાવી દઈએ કે, આ મીટિંગ સચિન પાયલટ દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમ બાદ થઈ હતી. સચિને અલ્ટીમેટમ આપ્યું હતું કે, જો રાજ્ય સરકાર આ મહિનાના અંત સુધીમાં તેની 3 માંગણીઓ પૂરી નહીં કરે તો તે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે. પાયલટના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેણે જે માંગણીઓ ઉઠાવી છે, ખાસ કરીને અગાઉની વસુંધરા રાજે સરકાર દરમિયાન કથિત ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાના સંબંધમાં, તે વણઉકેલાયેલી છે. તેમણે કહ્યું કે પાયલોટ તેમની માંગણીઓ પર અડગ છે, અને જો ગેહલોત સરકાર મીટિંગ પછી તેમના પર કાર્યવાહી નહીં કરે, તો તેઓ તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ માટે દબાણ કરવાનું ચાલુ રાખશે. પાયલોટની અન્ય બે માંગણીઓ રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (RPSC)નું પુનર્ગઠન અને તેમાં નવી નિમણૂંકો કરવાની છે. આ ઉપરાંત પેપર લીક થયા બાદ સરકારી ભરતીની પરીક્ષા રદ થતાં અસરગ્રસ્ત લોકોને વળતર આપવા જેવી માંગણીઓ સામેલ છે. પાયલોટની નજીકના નેતાઓએ કહ્યું કે, તે વ્યક્તિગત પોસ્ટ્સ વિશે નથી, પરંતુ ભ્રષ્ટાચાર અને પેપર લીકનો મુદ્દો વધુ મહત્વપૂર્ણ છે, જેને પ્રાથમિકતાના આધારે ઉકેલવાની જરૂર છે. પાર્ટીએ સોમવારે એ બતાવવાનો પ્રયાસ કર્યો કે, રાજસ્થાનમાં પાર્ટીની અંદર બધુ બરાબર છે. તો બીજી તરફ વેણુગોપાલે કહ્યું હતું કે, અશોક ગેહલોત અને સચિન પાયલટ બંને આ પ્રસ્તાવ માટે સંમત થયા છે. તેમણે કહ્યું કે, બંને નેતાઓએ નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ પર છોડી દીધો છે. જણાવી દઈએ કે વર્ષ 2018માં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની ત્યારથી જ ગેહલોત અને પાયલટ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વર્ષ 2020માં, પાયલટે ગેહલોત સરકાર સામે બળવો કર્યો હતો. જેના પગલે તેમને પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ અને નાયબ મુખ્ય પ્રધાનના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે .

Next Story