મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના દરિયાપુર વિધાનસભા ક્ષેત્રના ખલ્લર ગામમાં ભાજપના નેતા અને પૂર્વ સાંસદ નવનીત રાણાની પ્રચાર રેલી દરમિયાન ભારે હોબાળો થયો હતો. યુવા સ્વાભિમાન પાર્ટીના ઉમેદવાર રમેશ બુંદીલેના સમર્થનમાં યોજાયેલી આ સભામાં કેટલાક લોકોએ નવનીત રાણા પર ખુરશીઓ ફેંકી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેના અંતિમ તબક્કામાં છે અને પ્રચારનો સમયગાળો આવતીકાલે 18મી નવેમ્બરે સમાપ્ત થશે. એવામાં શનિવારે રાત્રે દરિયાપુર વિધાનસભા મત વિસ્તારના ખલ્લર ગામમાં યુવા સ્વાભિમાનના ઉમેદવાર રમેશ બુંદીલેના પ્રચાર માટે નવનીત રાણાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નવનીત રાણાનું ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે કેટલાક લોકોએ જોરથી નારા લગાવ્યા અને હંગામો મચાવ્યો હતો.
યુવા સ્વાભિમાનના કાર્યકરોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તેમણે સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું હતું. જ્યારે નવનીત રાણા પોતે તેમને સમજાવવા જઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેના પર ખુરશીઓ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં નવનીત રાણાના બોડીગાર્ડને પણ ખુરશી વાગી હતી.
જો કે આ પહેલા પણ અમરાવતીમાં પૂર્વ સાંસદ નવનીત રાણા પર હુમલો કરવાનો પ્રયાસ થયો હોવાનું જોવા મળ્યું છે. સ્થિતિ વણસી જતાં નવનીત રાણા ખલ્લર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સભામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું.