હિમાચલ પ્રદેશની સાથે વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં પણ ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. એક તરફ તમામ રાજકીય પક્ષો રેલી કરી રહ્યા છે, તો બીજી તરફ પીએમ આવાસ પર મેરેથોન બેઠક યોજાઇ હતી. લગભગ 5 કલાક ચાલેલી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા.
દિલ્હી ખાતેની બેઠકમાં પીએમ મોદીના રાજ્યના પ્રવાસ અને પાર્ટીના કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ ટિકિટ વહેંચણી, ચૂંટણી મુદ્દા, કેન્દ્ર સરકારની યોજના અને પીએમ મોદીની તા. 18 અને 19ની રાજ્યની મુલાકાત અંગે પણ વિચાર ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે, ત્યારે આવી સ્થિતિમાં હવે ગુજરાતની ચૂંટણી અંગેની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે. ભાજપે રણનીતિ ઘડવાની દિશા વધુ સઘન બનાવી છે. આ બેઠકમાં ગુજરાતની ચૂંટણીને લગતા ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ રાજ્યમાં કેન્દ્ર સરકારની યોજનાઓની સકારાત્મક અસર વિશે પણ વાતચીત કરવામાં આવી હતી. કયા ચૂંટણી મુદ્દા પર આગળ વધવું અને કયા મુદ્દાઓ સાથે વિપક્ષ પર પ્રહાર કરી શકાય તેવી રણનીતિ બનાવવામાં આવી રહી છે.