ઓવૈસીનું મોદી સરકાર પર નિશાન: કહ્યું, નવ જવાનો શહીદ થયા પણ મોદી સરકાર પાકિસ્તાન સામે ભારતની મેચ રમાડશે
હૈદ્રાબાદમાં AIMIMના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધીને કહ્યુ છે કે, પીએમ મોદી ક્યારેય બે બાબતો માટે બોલતા નથી. એક તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો અને બીજી બાજુ ચીનની ભારતમાં ઘૂસણખોરી. પીએમ મોદી ચીનથી ડરે છે.
ઓવૈસીએ કહ્યુ હતુ કે, મોદીજી તમે ભૂતકાળમાં કહ્યુ હતુ કે, દેશના સૈનિકો મરી રહ્યા છે અને મનમોહનસિંહની સરકાર બિરયાની ખવડાવી રહી છે. હવે આપણા નવ જવાનો મરી ગયા છે અને તમે પાકિસ્તાન સાથે ટી-20 મેચ રમાડો છો. પાકિસ્તાન કાશ્મીરમાં ભારતીયોના જીવ લઈને ભારત સાથે ટી-20 મેચ રમી રહ્યુ છે. ટાર્ગેટ કિલિંગ થઈ રહ્યુ છે. ગરીબ લોકો મોતને ભેટી રહ્યા છે અને કાશ્મીરમાં ગુપ્તચર એજન્સીઓ શું કરી રહી છે તે ખબર નથી. પાકિસ્તાન ખુલ્લેઆમ હથિયારો મોકલી રહ્યુ છે અને ભારત ટી-20 મેચ રમી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની આતંકીઓ દ્વારા થઈ રહેલી હત્યાના પગલે દેશમાં પણ માંગ ઉઠી રહી છે કે, ટી 20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતે મેચ રદ કરવી જોઈએ. બીજી તરફ બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ ગુપ્તાએ કહ્યુ છે કે, આઈસીસી સાથેના કમિટમેન્ટના કારણે અમે મેચ રદ કરી શકીએ તેમ નથી.