એર ઇન્ડિયાની ફલાઇટ પેરિસથી દિલ્હી આવી રહી હતી,જોકે ફ્લાઇટના પાયલોટે પોતાની ડ્યૂટીનો સમય પૂર્ણ થતા જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ કરાવીને જતો રહ્યો હતો,જેના કારણે 180 મુસાફરો રઝળી પડ્યા હતા.
એર ઈન્ડિયાની પેરિસથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં 180થી વધુ મુસાફરો સવાર હતા.આ ફ્લાઈટના પાયલોટે પોતાની ડ્યુટી પૂરી થઈ જતાં જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જ લેન્ડ કરાવી દીધી હતી. બાદમાં તે ફ્લાઇટ છોડીને જતો રહ્યો, જેના કારણે ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો નવ કલાક સુધી એરપોર્ટ પર જ ફસાયેલા રહ્યા હતા. બાદમાં તમામ મુસાફરોને માર્ગ પરિવહનની મદદથી દિલ્હી મોકલવામાં આવ્યા હતા.
એઆઈ-2022 ફ્લાઈટે રવિવારે રાત્રે 10 વાગ્યે પેરિસથી ઉડાન ભરી હતી. જે સોમવારે સવારે 10.35 વાગ્યે દિલ્હી પહોંચવાની હતી. જો કે, ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ મોડી પડી હતી. જેથી જયપુર એરપોર્ટ પર બપોરે 12.10 વાગ્યે ફ્લાઈટ લેન્ડ કરાવી પાયલોટ એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ પાસે ઉડાન માટે ક્લિયરન્સ મળવાની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ સિગ્નલ ન મળતા અને તેનો ડ્યુટી ટાઈમ પણ પૂરો થઈ ગયો હતો, જેથી તે ફ્લાઇટ મૂકીને જતો રહ્યો હતો.
જયારે બીજી તરફ ફૂકેતથી 100થી વધુ મુસાફરોને લઈને આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક્નિકલ ખામીના કારણે ઉડાન જ ભરી શકી ન હતી. જેના લીધે મુસાફરો 80 કલાક ફૂકેતમાં જ અટવાયા હતા. મુસાફરોના મતે, 16 નવેમ્બરે આ ફ્લાઈટ દિલ્હી આવવા રવાના થવાની હતી, પરંતુ ટેક્નિકલ ખામીના કારણે છ કલાક મોડી હોવાનું કહી મુસાફરોને એરપોર્ટ પર રાહ જોવડાવી હતી.
બાદમાં આ ફ્લાઈટે ઉડાન ભરી,પરંતુ અઢી કલાકમાં ફરી ફૂકેતમાં લેન્ડ થઈ ગઈ હતી. એર ઇન્ડિયા ફલાઈટના કડવા અનુભવને કારણે હવાઈ યાત્રીઓએ સોશિયલ મિડીયામાં પોતાનો રોષ ઠાલવ્યો હતો.