વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમના 116માં એપિસોડને સંબોધિત કર્યો હતો.ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ અને કાર્યકરોએ પણ અલગ-અલગ જગ્યાએથી મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો.
PM મોદીએ કહ્યું કે, આજે NCC દિવસ છે.હું પોતે NCC કેડેટ રહી ચુક્યો છું.NCC યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને સેવાની ભાવના કેળવે છે.જ્યારે પણ કોઈ આપત્તિ આવે છે, ત્યારે NCC કેડેટ્સ મદદ માટે ચોક્કસપણે હાજર હોય છે. આજે NCCને મજબૂત બનાવવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. હવે NCCમાં ગર્લ્સ કેડેટ્સની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે.
તેમણે કહ્યું, 'હું આખો મહિનો મન કી બાતની આતુરતાથી રાહ જોઉં છું જેથી હું તમારી સાથે સીધો સંવાદ કરી શકું. લોકો સાથે જોડાવાના મહત્વ પર ભાર મૂકતા તેમણે નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)ના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો.PM મોદીએ યુવાનોને તેમાં મોટી સંખ્યામાં ભાગ લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, NCC યુવાનોના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે અને તેમના જીવનને સમૃદ્ધ બનાવશે.
વડાપ્રધાને 'વિકસિત ભારત'ને આકાર આપવામાં યુવાનોની મહત્વની ભૂમિકા વિશે વાત કરી અને કહ્યું કે દેશની પ્રગતિ માટે તેમની ઊર્જા, કૌશલ્ય અને પ્રતિબદ્ધતા જરૂરી છે. PM મોદીએ સ્વામી વિવેકાનંદની 162મી જન્મજયંતિ પર 11-12 જાન્યુઆરી, 2025ના રોજ ભારત મંડપમ ખાતે યોજાનાર 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ'ની પણ જાહેરાત કરી હતી.આ પહેલનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાંથી એવા યુવાનોને એક સાથે લાવવાનો છે જેમની પાસે નેતૃત્વના ગુણો છે અને વિકસિત ભારત માટે આગળના માર્ગની ચર્ચા કરવા અને યોજના બનાવવાનો છે.