/connect-gujarat/media/media_files/dL2tDzb4hn9pQINKCJm4.png)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા આજે 122મી વખત સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ઓપરેશન સિંદૂર, ગુજરાતમાં સિંહની થયેલી વસ્તી ગણતરી સહિત અનેક મુદ્દા પર વાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી સેનાએ જે પરાક્રમ દર્શાવ્યું તેનાથી દરેક ભારતીયનું માથું ગર્વથી ઉંચુ થયું છે. જે સચોટતા સાથે આપણી સેનાએ સરહદપાર આતંકી ઠેકાણાને ધ્વસ્ત કર્યા તે અદ્ભુત છે. ઓપરેશન સિંદૂરે વિશ્વભરમાં આતંક સામે લડાઈનો નવો વિશ્વાસ ઉભો કર્યો છે અને ઉત્સાહ વધાર્યો છે.
ઓપરેશન સિંદૂર માત્ર એક સૈન્ય મિશન નથી, આપણા સંકલ્પ, સાહસ અને બદલાતા ભારતની તસવીર છે. આ તસવીરે સમગ્ર દેશને તિરંગા રંગમાં રંગી દીધો છે. સોશિયલ મીડિયા પર કવિતાઓ લખવામાં આવી રહી છે, સંકલ્પ ગીત ગાવામાં આવે છે, નાના બાળકો પેઇન્ટિંગ બનાવી રહ્યા છે. અનેક માતાએ આ સમયગાળા દરમિયાન જન્મ લેનારા તેમના બાળકોનું નામ સિંદૂર રાખ્યું છે.
જ્યારે પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે એશિયાટિક સિંહોની વસ્તીમાં થયેલો વધારો દર્શાવે છે કે જ્યારે સમાજમાં માલિકીની ભાવના મજબૂત બને ત્યારે અદ્ભુત પરિણામો મળે છે. થોડા દાયકાઓ પહેલા ગીરમાં પરિસ્થિતિ ખૂબ જ પડકારજનક હતી. પરંતુ ત્યાંના લોકો પરિવર્તન લાવવા માટે એક સાથે આવ્યા. ગુજરાત પહેલું રાજ્ય બન્યું જ્યાં મહિલાઓને મોટા પાયે ફોરેસ્ટ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવી. આ બધાએ આપણે આજે જે પરિણામો જોઈ રહ્યા છીએ તેમાં ફાળો આપ્યો છે. વન્યજીવ સંરક્ષણ માટે આપણે આ રીતે જ સતર્ક અને સાવધાન રહેવું પડશે.