Connect Gujarat
સમાચાર

INS વિરાટની સલામી સાથે વિદાય, મહનાભવોની ઉપસ્થિતિમાં "Thank You Virat" કાર્યક્રમ યોજાયો

INS વિરાટની સલામી સાથે વિદાય, મહનાભવોની ઉપસ્થિતિમાં Thank You Virat કાર્યક્રમ યોજાયો
X

દેશ સેવામાં અવિરત ૩૦ વર્ષ સુધી પોતાની પ્રશંસનીય સેવા આપનાર INS વિરાટને આખરી સલામી અને સન્માન આપવા અલંગ ખાતે કેન્દ્રિય શિપિંગમંત્રી મનસુખભાઇ માંડવીયા, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,રાજ્યમંત્રી વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં Thank you વિરાટ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યુ હતું કે આપણે એ ધરાના લોકો છીએ કે જેમણે સદીઓ સુધી સમુદ્ર પર રાજ કર્યું અને સમગ્ર વિશ્વમાં એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. પાંચ હજાર વર્ષ જૂની લોથલ, હડપ્પા અને ધોળાવીરાની સંસ્કૃતિ આ બાબતની સાક્ષી પૂરે છે.

મગધ, ચાલુક્ય અને પાંડીયન સામ્રાજ્યમાં પણ સમગ્ર વિશ્વમાં ભારતનો દબદબો અને વેપાર ટોચ પર હતા. શિવાજી મહારાજની વિશ્વ વિખ્યાત નૌ સેના પણ ગુજરાતમાં હતી. વર્ષો પહેલા સુરત ખાતે જહાજોનું નિર્માણ થતું. જેને ખરીદવા સમગ્ર વિશ્વના દેશો ભારત આવતા. પરંતુ બ્રિટિશરો દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધોને કારણે સમયાંતરે તે ઉદ્યોગ ઘટી ગયો ત્યારે શિપિંગ ઉદ્યોગમાં ભારતનો આ દબદબો ફરી કાયમ કરવા નરેન્દ્રભાઈ મોદીની સરકાર પ્રયત્નશીલ છે. આપણી સદીઓ પુરાણી ભવ્ય સભ્યતાને વૈશ્વિક સ્તરે ફરી ઉજાગર કરવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિડુ ઝડપ્યું છે. જેના ભાગરૂપે આગામી સમયમાં લોથલ ખાતે હેરિટેજ કોમ્પ્લેક્ષનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. જ્યાં ૫,૦૦૦ વર્ષ જૂનું લોથલ નગર તેની પ્રાચીન સંસ્કૃતિ સાથે ઉભું કરવામાં આવશે. આ લોથલ હેરિટેજ કોમ્પ્લેક્ષ સમગ્ર વિશ્વને ભારતની ભવ્ય સભ્યતાનો પરિચય કરાવશે.

INS વિરાટ અંગે મંત્રી માંડવિયાએ જણાવ્યું હતું કે વિરાટની છેલ્લી સફરના અને વિરાટની ભારતીય નૌસેનામાં અદમ્ય સેવા બન્નેને કેન્દ્રમાં રાખતા આજનો દિવસ ખુશીની સાથે સાથે દુઃખનો પણ છે. વિરાટે ભારતની નૌસેનામાં ૧૧ લાખ કિ.મી.ની સફર કરી છે. જે સમગ્ર પૃથ્વીને ૨૭ વખત ચક્કર લગાવવા સમાન છે. વિરાટ એ દેશની આન, બાન અને શાન છે. વિરાટને મ્યુઝીયમ તરીકે વિકસાવવાની બાબત પણ સરકાર દ્વારા વિચારણા હેઠળ હતી. જેના માટે સ્પેશ્યલ ડોકયાર્ડ તેમજ તમામ ખર્ચ કરવાની પણ સરકારની તૈયારી હતી. પરંતુ એક્સપર્ટ કમિટીના રિપોર્ટમાં જણાવાયું કે વિરાટની સ્થિતિ મ્યુઝીયમ બનાવવા જેટલી સક્ષમ ન હતી. જેના કારણે ભવિષ્યમાં અકસ્માત સર્જાય તેવી પણ સંભાવના હતી. આથી મજબુરી વશ સરકારે આ નિર્ણય લેવો પડ્યો. પરંતુ ભવિષ્યમાં આવી વિરાસત સચવાય તે માટેના ચોક્કસ પ્રયત્નો આગામી સમયમાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજની ક્ષણ એ ઐતિહાસિક ક્ષણ છે તેમ કહી જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની અસરકારક નિતિઓથી આગામી સમયમાં અલંગ વિકાસની નવી ઉંચાઈઓને આંબશે.

રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે બ્રિટિશ તેમજ ભારતીય નૌસેનામા સેવા આપી છે તેવું INS વિરાટ મહાન છે. દેશ સેવામાં ૫૬ વર્ષ સુઘી સેવા આપી દેશની સુરક્ષા કરી INS વિરાટે ભારતને ગૌરવ પ્રદાન કર્યું છે અને એટલે જ સમગ્ર દેશની નજર આજે ભાવનગર પર છે.

આ પ્રસંગે પોરબંદર નૌસેનાના એન.એમ. ફ્લેગ ઓફિસર શ્રી પુરવીર દાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે આજનો દિવસ એ ગૌરવશાળી દિવસ છે. એરક્રાફ્ટ કેરિયર પર કઈ રીતે કામ કરવું તે બાબતે દેશના હજારો સૈનિકોને વિરાટે તૈયાર કર્યા છે. દેશની નૌસેનાને વિરાટે અનુભવની સાથે સાથે પ્રેરણા પણ પુરી પાડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે INS વિરાટ એ વિશ્વની સૌથી લાંબી સેવા આપતા યુધ્ધ જહાજ તરીકેનો કીર્તિમાંન ધરાવે છે. ૧૯૮૭માં ભારતીય નૌકાદળમાં સામેલ કરાયેલ આ યુધ્ધ જહાજને ભાવનગરના શ્રી રામ ગ્રુપે આ વર્ષે જુલાઈમાં હરરાજી દરમ્યાન ૩૮.૫૪ કરોડમાં ખરીદ્યું હતું અને આન, બાન, શાન સાથે દેશના સંરક્ષણ માટે વિરાટે આપેલી સેવાઓ બદલ દેશ ભક્ત સૈનિકની માફક વિરાટને આખરી સલામી સાથે વિદાય આપવા Thank you વિરાટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ નારણભાઈ કાછડિયા, ધારાસભ્ય કનુભાઈ બારૈયા, બાવકુભાઈ, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, ગીરીશભાઈ શાહ, મુકેશ પટેલ, બટુક પટેલ સહિતના માહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story