આખો દેશ અને વિશ્વ જેની રાહ જોઇ રહયું હતું તેવો રીલાયન્સ અને ગુગલે ભેગા મળી બનાવેલા સ્માર્ટફોનની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ફોનને જીયો ફોન નેકસ્ટ નામ આપવામાં આવ્યું છે અને 10 સપ્ટેમ્બરના રોજથી તે બજારમાં આવી જશે. આ ફોન સામાન્ય માણસના બજેટને ધ્યાનમાં રાખીને બનાવાયો હોવાનું રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું છે.
રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના અધ્યક્ષસ્થાને વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં રીલાયન્સ જીયો અને ગુગલની ભાગીદારીથી બનેલાં નવા સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટની જાહેરાત કરવામાં આવી છે. નવો સ્માર્ટફોન જિયો અને ગૂગલના ફિચર્સ અને એપ્સની સાથે લેન્સ ધરાવતો હશે. એન્ડ્રોઈડ બેઝડ આ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ જિયો અને ગુગલે મળીને તૈયાર કરી છે. મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે નવો સ્માર્ટફોન સામાન્ય માણસના બજેટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. તેની કિંમત ખુબ જ વ્યાજબી હશે અને 10 સપ્ટેમ્બરથી ગણેશ ચુતર્થી તેનુ વેચાણ શરૂ થશે. અંબાણીએ કહ્યું કે દેશને 2Gથી મુક્ત અને 5G યુક્ત બનાવવાનું અમારુ લક્ષ્ય છે. જિયોફોન નેક્સ્ટ સ્માર્ટફોનમાં યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોરથી એપ્સ ડાઉનલોડ કરી શકે છે. સ્માર્ટફોનમાં સારો કેમેરો અને એન્ડ્રાઈડ અપડેટ પણ મળશે. ફુલ્લી ફિચર્ડ આ સ્માર્ટફોનને મુકેશ અંબાણીએ વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન ગણાવ્યો છે. જોકે આ ફોનની કિંમત વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. આ નવો સ્માર્ટફોન ભારતના બજારમાં ચીનનું વર્ચસ્વ ઘટાડી શકે તેમ છે.
આ ઉપરાંત વાર્ષિક સાધારણ સભામાં મુકેશ અંબાણીએ કંપનીની કામગીરી અને નફા વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના સમયમાં અમારા રિલાયન્સ પરિવારે એક રાષ્ટ્રની જેમ પોતાની ફરજ નિભાવી છે. અમને વિશ્વાસ છે કે છેલ્લા એક વર્ષમાં અમારા આ પ્રયાસને અમારા સંસ્થાપક ચેરમેન ધીરુભાઈ અંબાણીના પ્રયાસોને આગળ વધાર્યા છે. આ પહેલા કોરોનામાં પોતાનો જીવ ગુમાવનારા રિલાયન્સના કર્મચારીઓ માટે મુકેશ અંબાણીએ એક મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, જિયો ઈન્સ્ટીટ્યુટ નવા મુંબઈ કેમ્પસમાં આ વર્ષથી એકેડેમિક સેશનની શરૂઆત કરશે. આ ઉપરાંત રિલાયન્સ સતત સારુ પ્રદર્શન કરી રહી છે. તેની કુલ રેવન્યુ 5.40 લાખ કરોડ રૂપિયા છે. દેશની મોટી કંપનીના રૂપમાં રિલાયન્સનું દેશની ઈકોનોમીમાં યોગદાન સારુ રહ્યું છે.
મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટમાં 6.8 ટકા હિસ્સો રહ્યો છે. રીલાયન્સની ઓઈલ ટુ કેમિકલ બિઝનેસ ઈકોનોમીમાં ઘટાડાને કારણે પડકારોનો સામનો કરતો રહ્યો. હાલ પણ ગ્લોબલ લેવલે રિલાયન્સ એકમાત્ર કંપની છે જે સંપૂર્ણ ક્ષમતાની સાથે પોતાનું ઓપરેશન ચલાવી રહી છે અને દરેક ત્રિમાસિકમાં નફો કમાઈ રહી છે..5.4 લાખ કરોડ રૂપિયાની કન્સોલિડેટેડ રેવન્યુ જનરેટ કરી. 53739 કરોડ રૂપિયાનો નફો થયો, જે ગત વર્ષથી લગભગ 39 ટકા વધુ છે. 107 દેશમાં 1.45 લાખ કરોડ રૂપિયાનું એક્સપોર્ટ કર્યું. જ્યારે 75000 લોકોને રોજગારી આપી છે. આ ઉપરાંત રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરમાં વિશ્વનો સૌથી મોટો સોલર એનર્જી ઉત્પાદન કરતો પ્લાન્ટ નાંખશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.
