Connect Gujarat
ગુજરાત

જૂનાગઢ : ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ, સાધુ-સંતોની રવેડીમાં અંગ કરતબના દાવ બાદ કરાશે શાહીસ્નાન

જૂનાગઢ : ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ, સાધુ-સંતોની રવેડીમાં અંગ કરતબના દાવ બાદ કરાશે શાહીસ્નાન
X

જૂનાગઢમાં ગિરનારની તળેટીએ વસેલા ભવનાથ મહાદેવના પાવન સાંનિધ્યમાં આજથી પાંચ દિવસના મહા શિવરાત્રી મેળાનું આયોજન કરાયું છે, ત્યારે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરી વિધિવત રીતે પ્રાચીન કાળના મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ગિરનારના ભવનાથ મહાદેવ મંદિર ખાતે અખાડા પરિષદના મહા મંત્રી હરીગીરી મહારાજ સહિત સંતો, મહંતોની ઉપસ્થિતીમાં મહાવદ નોમથી મહાવદ તેરસ સુધી યોજાનાર મહા શિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે વહેલી સવારે શુભ મુહૂર્ત દરમ્યાન ભવનાથ મહાદેવને ગિરનાર ક્ષેત્રના પીઠાધિશ્વર માતા જયશ્રિકાનંદ મહારાજ દ્વારા ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત જૂનાગઢમાં આવેલા વિવિધ મંદિરો, આશ્રમો તેમજ અખાડામાં પણ ધ્વજા રોહણ કરાયું હતું.

જૂનાગઢ ખાતે મહા શિવરાત્રી મેળામાં દર્શનાર્થીઓના ભોજન-પ્રસાદ માટે વિવિધ જ્ઞાતિ સમાજ, મંડળો, અન્નક્ષેત્રો, આશ્રમો, સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજનની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ ખાતે અંદાજે 250થી વધુ અન્નક્ષેત્રોમાં પાંચ દિવસ સુધી હરિહરના નાદ ગુંજી ઉઠશે. ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રી મેળાના અંતિમ દિવસે વિવિધ માર્ગો પર સાધુ-સંતોની રવેડી નિકળશે, જેમાં સાધુ-સંતો દ્વારા થતાં અંગ કરતબના દાવ જોવા મળશે. મધ્યરાત્રીના 12 વાગ્યે મૃગીકુંડમાં શાહીસ્નાન બાદ મેળાની સમાપ્તી કરવામાં આવશે.

મહા શિવરાત્રી મેળા દરમ્યાન દેશ દેશાવરમાંથી આવતા સાધુ, સંતો, મહંતો તેમજ દિગંબરોના દર્શન કરી ભાવિકો ધન્ય બને છે, ત્યારે જૂનાગઢમાં તા. 17 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરીની મધ્યરાત્રી સુધી યોજાનાર મહા શિવરાત્રી મેળાના પ્રારંભે ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ, વિશ્વંભર ભારતી બાપુ, જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર સહિત દેશભરના સંતો મહંતો તેમજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story