Connect Gujarat
Featured

જુનાગઢ : દેવળીયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે પુનઃ શરૂ થશે, જાણો શું છે દિશાનિર્દેશો..!

જુનાગઢ : દેવળીયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે પુનઃ શરૂ થશે, જાણો શું છે દિશાનિર્દેશો..!
X

જુનાગઢ જિલ્લાના સાસણ નજીક આવેલ દેવળીયા સફારી પાર્ક આગામી તા. 1 ઓક્ટોબરથી ફરી એક વખત પ્રવાસીઓ માટે ખુલવા જઈ રહ્યું છે, ત્યારે કોરોનાના સંક્રમણના કારણે રાજ્ય અને કેન્દ્ર સરકારના દિશાનિર્દેશોને અનુસરી વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

સાસણ નજીક આવેલ દેવળીયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલવા જઈ રહ્યું છે, ત્યારે સફારી પાર્કમાં 12 કલાક દરમ્યાન 70 જેટલી જીપ્સી મારફતે પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે. જેમાં એક જીપ્સીમાં ગાઈડ અને ચાલકની સાથે 3 પુખ્ત અને એક બાળકને સાથે રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે બસમાં 11 જેટલા પ્રવાસીઓને બેસાડવામાં આવશે. ઉપરાંત વન વિભાગ દ્વારા 10 વર્ષથી નીચે અને 65 વર્ષથી વધુની વયના કોઈપણ વ્યક્તિઓ માટે સફારી પાર્કમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

જોકે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી સફારી પાર્કમાં પ્રવાસીઓના પ્રવેશ માટેની મંજૂરીથી લઈને ટિકિટ સુધીની તમામ કામગીરી ઓનલાઈન રાખવામાં આવી છે. ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશોના પૂરતા પાલન સાથે પ્રવાસીઓને દેવળીયા સફારી પાર્કમાં પ્રવેશ આપવામાં આવશે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઇનનું વન કર્મચારીઓ સહિત પ્રવાસીઓએ પણ ચુસ્ત પાલન કરવાનું રહેશે. ઉપરાંત દેવળીયા સફારી પાર્કમાં સેનિટાઇઝર, માસ્ક અને સામાજીક અંતરને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે, ત્યારે ઇકો પ્રવાસન ફરીથી તેના જુના દિવસો તરફ આગળ વધે તે માટે તમામ મોરચે કામગીરી શરૂ કરવામાં આવી છે.

Next Story