જુનાગઢના હસનાપુર ડેમ પ્રોજેક્ટ સમગ્ર એશિયા ખંડમાં પ્રથમ વખત વૈશ્વિક સંસ્થા ‘યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી’ પાસેથી ‘વોટર ક્રેડિટ સર્ટિફિકેશન’ મેળવીને નવો ઈતિહાસ રચ્યો છે. છેલ્લા નવ વર્ષની અવિરત જળસંચય પ્રવૃત્તિઓ થકી આ પ્રોજેક્ટ 90 લાખ સર્ટિફાઇડ વોટર ક્રેડિટ અંકે કર્યા છે.
ગિરનારની તળેટીમાં આવેલો હસનાપુર ડેમ હવે માત્ર એક જળાશય નથી, પરંતુ કુદરતી સંસાધનમાંથી આર્થિક મૂલ્ય ઉભું કરતું એશિયાનું અગ્રણી કેન્દ્ર બન્યો છે. પાછલાં નવ વર્ષ દરમિયાન અહીં નિર્ધારિત મર્યાદા મુજબ વાર્ષિક 10 લાખ લીટર પાણી બચાવવામાં આવ્યું છે. આ અવિરત પુરુષાર્થના લીધે જ પ્રોજેક્ટને 90 લાખ વોટર ક્રેડિટનું સત્તાવાર પ્રમાણપત્ર મળ્યું છે. આગામી સમયમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને વોટર રિસાયકલિંગ જેવી શ્રેષ્ઠ કામગીરીનું આંતરરાષ્ટ્રીય સ્તરે વેરિફિકેશન થતાં જ આ સર્ટિફિકેટ્સ બજારમાં વેચી શકાશે, જે સ્થાનિક તંત્ર માટે કમાણીનો નવો અને કાયમી સ્ત્રોત બનશે.
આ સક્ષમ મોડેલ પાણીની ગુણવત્તા અને વિતરણ વ્યવસ્થામાં પણ મોખરે છે. હસનાપુર ડેમનું કુદરતી ઝરણા જેવું શુદ્ધ પાણી જૂનાગઢના ચાર મુખ્ય વિસ્તારોની તરસ છિપાવે છે. આ જળરાશિ સીધી ધારાગઢ ફિલ્ટર પ્લાન્ટમાં પહોંચે છે, જ્યાં આધુનિક પદ્ધતિથી શુદ્ધિકરણ કરીને હજારો નાગરિકોના ઘર સુધી નિયમિત અને ઉત્તમ પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે.
હસનાપુર પ્રોજેક્ટની આ વૈશ્વિક સફળતા એ વાતની જીવંત સાક્ષી છે કે પર્યાવરણીય સંતુલન અને આર્થિક વિકાસ બંને એકસાથે શક્ય છે. વધતા જતા જળસંકટ વચ્ચે, કુદરતી સંસાધનોના આ સ્માર્ટ મેનેજમેન્ટે દેશના અન્ય શહેરો સમક્ષ એક આદર્શ રોડમેપ મૂક્યો છે. પાણી બચાવીને પણ સમૃદ્ધિ તરફ આગળ વધી શકાય છે, તે આ નવતર પ્રયોગે સાબિત કરી બતાવ્યું છે.
