વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી બ્રહ્મ સ્વરૂપે નાથ સંપ્રદાય વિશે અભદ્ર ટિપ્પણી કરતા જુનાગઢ ભવનાથના સાધુ-સંતોએ જિલ્લા ક્લેકટર આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. છેલ્લા એક સપ્તાહથી સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના ભીંતચિત્રોનો વિવાદ હજુ યોગ્ય રીતે શમ્યો નથી તેવામાં ફરી વખત વડતાલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી બ્રહ્મ સ્વરૂપે ચારેક દિવસ પહેલા નાથ સંપ્રદાય વિશે અભદ્ર ટિપ્પણી કરી ગેબીનાથ વિશે અયોગ્ય અને અભદ્ર ભાષા વાપરતા નાથ સંપ્રદાયમાં સાધુ સંતો, મહંતો અને સેવકગણોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે…

ભવનાથ ગુરુ-ગોરક્ષ નાથ આશ્રમના મહંત શ્રી શેરનાથજી બાપુ દ્વારા ભવનાથ પોલીસ મથકમાં આ મુદ્દે અરજી આપ્યા બાદ જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ શેરનાથજી બાપુના માર્ગદર્શનમાં સાધુ-સંતો અને સેવક સમુદાયે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદન પત્ર પાઠવી સ્વામી બ્રહ્મસ્વરૂપના વાણી વિલાસને વખોડી કાઢી ઉગ્ર રજૂઆત કરી ન્યાય અપાવવા માંગ ઉઠાવી છે. ગુરુ ગોરક્ષનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથજી બાપુએ જણાવ્યું કે, નાથ સંપ્રદાય વિશે અભદ્ર ટિપ્પણી તેમજ રામભક્ત હનુમાનજીને નીચા દેખાડવાના કાવતરા સામે કેમ કોઈ પગલાં નથી લેવામાં આવતા..? શું બ્રહ્મસ્વરૂપ સ્વામીને બોલતા બંધ કરવાવાળું કોઈ છે જ નહીં..! તેવા આકરા સવાલો થકી શેરનાથજી બાપુએ રોષ વ્યક્ત કર્યો હતો…