Connect Gujarat
ગુજરાત

કાલાવડઃ ખરેડીમાં દીકરીઓ આવી ખેડૂતોની વ્હારે, પોસ્ટર્સ લઈને રમી રાસ

કાલાવડઃ ખરેડીમાં દીકરીઓ આવી ખેડૂતોની વ્હારે, પોસ્ટર્સ લઈને રમી રાસ
X

પોસ્ટર્સમાં અછત ગ્રસ્ત જાહેર કરો, પાણી આપો, ચાલુ ધિરાણ માફ કરો અને દિવસના વિજળી આપો જેવા સુત્રો લખ્યા

હાલ દેશભરમાં આદ્યશક્તિની આરાધનાના પર્વની ઉજવણી ચાલી રહી છે. ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામે નવયુવક ગરબી મંડળ દ્વારા પ્રાચીન રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. સોમવારે રાત્રે યોજાયેલ રાસ ગરબામાં દીકરીઓ ખેડૂતોની વ્હારે આવી હતી. નવયુવક ગરબીની બાળાઓ હાથમાં ખેડૂતોની માંગ દર્શાવતા પોસ્ટર્સ લઈને રાસ રમી હતી. જે પોસ્ટર્સમાં અછત ગ્રસ્ત જાહેર કરો, પાણી આપો, ચાલુ ધિરાણ માફ કરો અને દિવસના વિજળી આપો જેવા સુત્રો લખવામા આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાંય સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ખેડૂતોની દશા દિવસેને દિવસે બગડતી જાય છે. ત્યારે સોમવારે સવારે કાલાવડ તાલુકાના ખરેડી ગામે 10 ગામના ખેડૂતોએ ભેગા મળી અનોખો વિરોધ કર્યો હતો. લોકો એ એકઠા થઇ ખરેડી સરપંચ દિપક સિંહ જાડેજાની આગેવાની હેઠળ વિરોધ પ્રગટ કર્યો હતો. પ્રથમ મહિલાઓ એ ડુંગળી ફેંકી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તો ત્યારબાદ પુરુષો દ્વારા પોતાની માંગ દર્શાવતી નનામી પણ કાઢવામાં આવી હતી. નનામી પર પહેરવાયેલ ખાપણ માં દેવામાફી, વીજળી આપો, પાણી આપો જેવી માંગ લખવામાં આવી હતી. આ સમયે માલધારી સમાજ દ્વારા દૂધ ઢોળી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આમ, ખરેડી ગામે કરવામાં આવેલ વિરોધ ન માત્ર ખેડૂત નો બની રહેતા માલધારી સમાજ પણ જોડાયો હતો. જે બાદ તમામ લોકો એકઠા થઇ જખાપીર ના તળાવ પર પહોચયા હતા. જ્યાં વચ્ચે ગાડા રાખી બહેનો એ દુષ્કાળ રાસ રમ્યા હતા. તો સાથે જ પાણી પાણી આપો ના નારા લગાવી છાજીયા પણ લીધા હતા.

કાલાવડ તાલુકાનું ખરેડી ગામ 17 હજાર લોકો ની વસ્તી ધરાવતું ગામ છે. ગામના લોકો ની મુખ્ય આજીવિકા ખેતી પર આધારિત છે. ત્યારે આ વર્ષે વરસાદ ઓછો પડતા. લોકો ને સિંચાઇ સાથે પીવાના પાણી ની પણ તકલીફ પડી રહી છે. તો બીજી તરફ આ ગામ જે વિધાનસભા ક્ષેત્રમાં આવે છે તે વિધાનસભા ક્ષેત્રની સીટ પર થી હાલના કૃષિ મંત્રી અનેક વાર ચૂંટાઈ આવ્યા છે. ત્યારે 100મણ નો સવાલ તો એ ઉભો થાય છે કે આખરે જેમના શિર પર આખા રાજ્યની જવાબદારી છે તેવા કૃષિ મંત્રીના પોતાનો જે જૂનો મત વિસ્તાર રહ્યો છે ત્યાંના ખેડૂતોના આ હાલ છે. તો અન્ય નું તો કહેવું જ શુ?

Next Story