કરજણ:ખાંધા ગામની સીમમાં આવેલું કથિત પ્રાચીન મંદિર તંત્ર દ્વારા તોડી પડાતા ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ

New Update
કરજણ:ખાંધા ગામની સીમમાં આવેલું કથિત પ્રાચીન મંદિર તંત્ર દ્વારા તોડી પડાતા ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ

કરજણ તાલુકાના ખાંધા ગામની સીમમાં આવેલું કથિત પ્રાચીન મંદિર તંત્ર દ્વારા તોડી પડાતા ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો.

કરજણ તાલુકાના ખાંધા ગામની સીમમાં આવેલું અને હિન્દુ સંપ્રદાયના લોકોની આસ્થા સાથે જોડાયેલા એક વર્ષો પુરાણા કથિત હનુમાનજીના મંદિરને કલેકટરના આદેશથી મામલતદારની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે ગતરોજ જેસીબી મશીન વડે તોડી પડાતા ખાંધા સહિત આસપાસના ગામોના આસ્થાળુઓમ‍ાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના ખાંધા ગામની સીમમાં માનપુર જવાના રોડ ઉપર ખાંધા એૈર્ય તરીકે ઓળખાતા વિસ્તારમાં વૃક્ષના થડમાં વર્ષો પુરાણી હનુમાનજીની મૂર્તિ આવેલી હતી. ત્યાં રહેતા પૂજારીએ ધીરે ધીરે ત્રણથી ચાર ઓરડીઓ બનાવી હતી. આ કહેવાતી જગ્યાવાળી સરકારી જમીનમાંથી સરકારના સ્પેશ્યલ પ્રોજેકટ તરીકે રેલવે કોરિડોરમાં ઓળખાતા રેલવે કોરિડોરમાં જમીન સંપાદિત થયેલી હતી.જે ધાર્મિક સ્થળ હોવાને કારણે અહિં બીજા કારણોસર જમીન સંપાદિત કામગીરી અટવાઇ રહી હતી અને કામગીરી વિલંબમાં પડી હતી.જે કલેક્ટરના આદેશથી મામલતદારે દુર કરાવી કબજો મેળવતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો.

જ્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ આશરે આઠસો વર્ષ પ્રાચીન એક હનુમાનજીનું મંદિર આવેલું હતું અને વડવાઓથી હનુમાનજીના મંદિર સાથે ખાંધા ગામ સહિત આસપાસના ગામોના હિન્દુ શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. આ મંદિરમાં નિયમિત પૂજા,અર્ચના તથા આરાધના થતી હોવાનું પણ શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું. તે કથિત મંદિર ખાંધા ગામની સીમમાથી પસાર થનારી રેલવે કોરિડોરમાં આવતા ગતરોજ કલેકટરના આદેશથી મામલતદારની હાજરીમાં જેસીબી મશીન વડે તોડી પડાયું હતું. જેની જાણ ખાંધા ગામમાં થતાં ગામમાં વસતા હિન્દુ સંપ્રદાયના લોકોમાં તંત્ર સામે ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો.

જેના પ્રત્યાઘાત રૂપે શનિવારના રોજ ગામના હિન્દુ સંપ્રદાયના લોકોએ ગામના પાદર તથા સીમમાં આવેલા કથિત મંદિર પાસે મોટી સંખ્યામાં એકઠા થઈ તંત્ર દ્વારા તોડી પડાયેલા મંદિરના પુન: નિર્માણ માટે બુલંદ માંગ ઉઠાવી પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને તોડી પડાયેલા કથિત મંદિરનું જો પુન: નિર્માણ કરવામાં નહીં આવે તો ખાંધા, માનપુર, અભરા, સંભોઇ, બોડકા, કણભા, કુરાઈ, કરજણ, મિયાગામ સહિતના ગામોના હિન્દુ સંપ્રદાયના લોકોની જે લાગણી દુભાઇ છે અને ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે. તે સર્વે ગામના હિન્દુ સંપ્રદાયના લોકો મંદિરના પુન: નિર્માણ માટે ઉગ્ર આંદોલન સહિત ભૂખ હડતાળની ચીમકી પણ ઉચ્ચારી હતી. હવે જોવાનું એ રહ્યું કે ખાંધા ગામની સીમમાં તોડી પડાયેલા કથિત પ્રાચીન હનુમાનજીના મંદિરના વિવાદનું સંબંધિત તંત્ર દ્વારા શું નિરાકરણ લાવવામાં આવે છે તે તો આવનારા દિવસોમાં જાણવા મળશે.

Latest Stories