ખેડા જિલ્લાના પાંચ તાલુકાના ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન થયું છે. રાજ્ય સરકારે ખેતી નુકશાન અંગે સર્વેની જાહેરાત કરવા છતાં સંલગ્ન અધિકારીઓ સર્વે કરવામાં આળસ દાખવતાં હોવાથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
ખેડા જિલ્લામાં મોટા ભાગના લોકો ખેતી ઉપર નભે છે, ત્યારે આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેતી લગભગ નષ્ટ થઇ ચુકી છે. સરકારે ખેડૂતોને થયેલ નુકશાનને લઈને મોટી જાહેરાત તો કરી દીધી છે પણ જિલ્લામાં હજી કામગીરીના નામે મીંડુ જોવા મળી રહયું છે. ખેડા જિલ્લાના ખેડૂતોએ તો એવું પણ જણાવ્યુ હતું કે, "જય જવાન, જય કિશાન"ના સૂત્રોને સરકાર હવે "મર જવાન, મર કિશાન" કર્યું હોય તેમ લાગી રહયું છે. સરહદ ઉપર જેમ જવાનો શહીદ થાય છે તેમ હવે ખેતરમાં ખેડૂતોને દવા પી આપઘાત કરવાનો વારો આવી ગયો છે. કૃષિ વિભાગના મુખ્ય અધિક સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતું કે, રાજ્યના 156 તાલુકામાં કમોસમી વરસાદની અસર થઈ છે. 1 ઈંચથી વધારે વરસાદ થયેલ 18 જિલ્લાના 44 તાલુકાઓ છે, જેમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે રાજ્ય સરકાર અપીલ કરે છે કે, વીમા કંપનીના ટોલ ફ્રી નંબર ઉપર ખેડૂતો ફરિયાદ નોંધાવી શકે છે. ખેતીવાડી ખાતાના અધિકારીઓ સ્થળ પર જઈને નુકશાનના સરવે કરશે. સરકારે જાહેરાત કરી દીધી હોવા છતાં જિલ્લામાં સર્વે તથા વીમાની રકમની ચુકવણીની કામગીરી નહિ થતાં જગતનો તાત રોષે ભરાયો છે.