/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-297.jpg)
કચ્છના ભચાઉ તાલુકાના લોધેશ્વર નજીક નર્મદા કેનાલના પંપિંગ સ્ટેશનમાં નાહવા પડેલા બે કિશોરો ડૂબી જતાં તેમના કરૂણ મોત નીપજયા છે. બે માસૂમ બાળકો મોતને ભેટતા પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી.
ભચાઉ-દુધઈ રોડ પર લોધેશ્વર નજીક નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશન પાસે નાહવા પડેલા બે કિશોરો ડૂબી જતાં મોત નીપજ્યાં છે.મૃતક ૧૫ વર્ષીય સદાન ફિરોઝ શેખ અને ૧૨ વર્ષીય રવિ રમેશભાઈ વાલ્મિકી બેઉ જણાં કેનાલમાં ન્હાવા પડ્યા હતા. દરમિયાન એકાએક પાણીમાં ગરકાવ થઈ જતાં આસપાસના લોકોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. પમ્પિંગ સ્ટેશનથી અંદાજે ૫૦૦-૭૦૦ મીટર દૂર આ બનાવ બન્યો હતો. કેનાલમાં અંદાજે દોઢથી બે મીટર પાણી ભરેલું હતું.
આ ઘટના અંગે જાણ થતાં કેનાલના ગેટ બંધ કરી દઈ પાણીનો પ્રવાહ ઓછો કરી દેવાયો હતો. બાદમાં બંને બાળકોના મૃતદેહ મળી આવ્યાં હતા. બંને બાળકો નજીકમાં રહેતા શ્રમજીવી પરિવારના હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભચાઉ સરકારી હોસ્પિટલે મોકલી અપાયાં છે.