Connect Gujarat
ગુજરાત

કચ્છ: લખપતના મેડી બંદર નજીકથી SOGની ટીમે ૩ કિલો હેરોઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું

કચ્છ: લખપતના મેડી બંદર નજીકથી SOGની ટીમે ૩ કિલો હેરોઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું
X

કચ્છના લખપત તાલુકાના મેડી બંદર નજીકથી એસઓજીની ટીમે બાતમીના આધારે ગત રોજ ૩ કિલો હેરોઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૧૫ કરોડ કિંમત આંકવામાં આવી છે. અઠવાડિયા પૂર્વે ડીઆરઆઈની ટીમે જખૌ નજીક ૧૦૦૦ કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડયા બાદ સ્થાનિક પોલીસ ટીમને પણ મહત્વની સફળતા મળી છે.

લખપતના મેડી નજીક સેથવારા બેટ પાસે નિર્જન સમુદ્રી ક્રીકમાંથી મળેલાં શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો અંદાજે ૧૫ કરોડ રૂપિયા હોવાનું પશ્ચિમ કચ્છ એસઓજીએ જાહેર કર્યું છે. સેથવારા બેટ નજીક મેડીવાળી નાળથી સુગાર ક્રીક પાસે ગઈકાલે પોલીસને દરીયામાંથી તણાઈ આવેલાં શંકાસ્પદ ડ્રગ્સના ૩ પેકેટ મળ્યાં હતા. ત્રણેય પેકેટનું કુલ વજન ૩ કિલો ૧૦૦ ગ્રામ છે. એફએસએલ એ પ્રાથમિક તપાસમાં આ શંકાસ્પદ ડ્રગ્સ હેરોઈન, મોર્ફિન અથવા કોડેઈન હોવાની શક્યતા વ્યક્ત કરી છે. ત્રણેય પેકેટ પ્લાસ્ટિકના પેકીંગમાં છે. તેમાં રહેલો ડ્રગ્સનો જથ્થો સહી સલામત છે. પોલીસે સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ આ ત્રણેય પેકેટ કબ્જે કરી નારાયણ સરોવર પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ રજિસ્ટર કરાવી છે.

ઉલ્લેખનીય છે કે, ગત ૨૧મીની સવારે કોસ્ટગાર્ડની મદદથી ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઈન્ટેલિજન્સે જખૌ નજીક ભારતીય જળસીમામાં ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલી અલ મદિના નામની પાકિસ્તાની બોટ સાથે ૬ પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે. બોટમાથી ૧ હજાર કરોડની કિંમતનું ૨૧૭ કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ડીઆરઆઈની કાર્યવાહી સમયે પાકિસ્તાનીઓએ ડ્રગ્સનો કેટલાંક જથ્થો સમુદ્રમાં ફેંકી દીધો હતો. જો કે, આ જથ્થો પણ કબ્જે કરી લેવાયો હોવાનો કોસ્ટગાર્ડે દાવો કર્યો હતો. ત્યારે, આ પેકેટ તે જ બોટમાંથી ફેંકાયેલાં ડ્રગ્સના છે કે કેમ તે અંગે ડીઆરઆઈ સાથે સંકલનમાં રહી એસઓજીએ તપાસ શરૂ કરી છે.

Next Story