• ભરૂચમાં આમોદ પંથકનો બનાવ

  • રાણીપુરા ગામે વિરોધ પ્રદર્શન

  • બેફામ રેતી ખનનથી સ્થાનિકોમાં રોષ

  • ટ્રકો રોકી વિરોધ નોંધવાયો

  • તંત્ર કડક પગલા ભરે એવી માંગ

ભરૂચના આમોદ તાલુકાના રાણીપુરા ગામમાં બેફામ માટી અને રેતી ખનન સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોએ ભેગા મળીને ખનીજો ભરેલી ટ્રકો અટકાવીને વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચના આમોદના રાણીપુરા ગામમાં હાલ વિકાસના નામે વિનાશનું તાંડવ હોય સર્જાઈ છે. ગ્રામ પંચાયત કે સ્થાનિક ખેડૂતોની લેખિત મંજૂરી મેળવવાની તસ્દી લીધા વિના જ,ખનીજ માફિયાઓ અને વગદાર કોન્ટ્રાક્ટરો બેફામ રીતે માટી ખોદકામ કરી રહ્યાં છે. સોમવારના રોજ રોષે ભરાયેલાં સ્થાનિકોએ રસ્તા પર ઉતરી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટે બાંયો ચડાવી છે.
સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે નિયમોને ઘોળીને પી જનારા કોન્ટ્રાક્ટરો દ્વારા રસ્તાઓની ગ્રામ્ય ક્ષમતા કરતા અનેકગણું વજન ભરીને ડમ્પરો દોડાવવામાં આવી રહ્યા છે. જે માર્ગો માત્ર 10 થી 15 ટનનો ભાર સહન કરવા માટે બન્યા છે, ત્યાં 40 ટન જેટલા ઓવરલોડ ડમ્પરો કાળ બનીને દોડી રહ્યા છે.
આ અવિરત ગતિના કારણે હજુ હમણાં જ બનેલા નવા રસ્તાઓ અને નાળાઓ ધરાશાયી થઈ ગયા છે. રાણીપુરા, નવા વાડિયા અને જૂના વાડિયા વિસ્તારમાં રસ્તાઓની હાલત એટલી હદે બિસ્માર બની છે કે, સામાન્ય વાહનચાલકો માટે અહીંથી પસાર થવું એટલે જીવનું જોખમ ખેડવા સમાન છે.આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે વહીવટી તંત્ર દ્વારા કડક પગલા ભરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.