Connect Gujarat
બ્લોગ

"ત્રીજો મોરચો" લોકસભાની ચૂંટણી એડિટરની આંખે

ત્રીજો મોરચો લોકસભાની ચૂંટણી એડિટરની આંખે
X

  • ભરૂચ લોકસભા બેઠક પર ત્રીજો મોરચો હંમેશા જીતનાર ઉમેદવાર માટે આશીર્વાદરૂપ રહ્યો છે

  • છોટુ વસાવા આ વખતે ભાજપ કે કોંગ્રેસ કોને ફાયદો કરાવે છે તેના પર સૌની મીટ

  • કોંગ્રેસમાંથી લઘુમતી ઉમેદવાર ઉભા હોય ત્યારે ભાજપની લીડ પાતળી રહી છે

ભરૂચ લોકસભા બેઠક ઉપર આ વખતે સૌથી વધુ 17 ઉમેદવારો મેદાનમાં છે પરંતુ મુખ્ય જંગ ત્રણ જ પક્ષો વચ્ચે છે ભાજપના મનસુખ વસાવા, કોંગ્રેસના શેરખાન પઠાણ અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના છોટુ વસાવા વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઉમેદવારોએ મતદારોના દિલ જીતવા માટે પરસેવો પાડવો જ પડશે. કારણ કે આ વખતે સાચા અર્થમાં ખરાખરીનો ખેલ જોવા મળી રહ્યો છે. મનસુખ વસાવા નામાંકન ભરતી વખતે 2 લાખથી વધુ મતોથી વિજયી થવાનો આશાવાદ તો વ્યક્ત કરી જ ચુક્યા છે પરંત્તુ તેઓનો આ આત્મવિશ્વાસ મતોમાં પરિણમે તે માટે તેઓએ પણ લોઢાના ચણા ચાવવા પડશે

ભરૂચ બેઠક ખરેખર રસપ્રદ બેઠક છે. ભરૂચે એક સમયે 3 સાંસદો આપ્યા હતા, 2 રાજ્ય સભામાં અને 1 લોકસભામાં. મનસુખ વસાવા 1998 થી સતત જીતતા આવ્યા છે. ભરૂચ બેઠક સામાન્ય બેઠક હોવા છતાં આદિવાસી ઉમેદવાર એ ભાજપનો પર્યાય બની ગયો છે કારણ કે આ બેઠકના મતોનું સમીકરણ આદિવાસી અને લઘુમતી મતદારો પર આધાર રાખે છે. ભરૂચ બેઠક ઉપર સૌથી વધુ મતદારો આદિવાસી 31.96 ટકા છે જયારે બીજા નંબરે લઘુમતી 25.87 ટકા મતદારો છે. ભરૂચ બેઠક માટે ભાજપ કે કોંગ્રેસ માટે હાર જીતનો મદાર ત્રીજા મોરચા પર રહ્યો છે. ત્રીજો મોરચો એટલે છોટુ વસાવા. અગાઉ તેઓ જ.દ.યુ. માં હતા અને ભાજપ સાથેના ગઠબંધનના કારણે તેઓએ લોકસભામાં પોતાના ઉમેદવારને ઉભા રાખવા પડતા હતા. આ વખતે કોંગ્રેસ સાથેની મિત્રતા હોવા છતાં અનેક અટકળો વચ્ચે તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી અને સામે કોંગ્રેસે યુવા નેતા શેરખાન પઠાણને મેદાનમાં ઉતાર્યા. છોટુ વસાવા અને શરખાન પઠાણના પિતા શકુર પઠાણ વચ્ચેના સંબંધોથી ભાગ્યે જ કોઈ રાજકારણી અજાણ હશે. અને તેથી અંતિમ સમયે બંનેમાંથી કોઈ પણ ફોર્મ પરત નહિ ખેંચે તે નિશ્ચિત હતું. ખેર હવે હાઈ પ્રોફાઈલ ચૂંટણીનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે ભૂતકાળમાં ત્રીજા મોરચાનો શું રોલ રહ્યો છે તેના પર એક નજર કરીએ

2004ની લોસભાની ચૂંટણીમાં ભાજપના મનસુખ વસાવા, કોંગ્રેસના મોહમ્મદ પટેલ અને જ.દ.યુ. ના છોટુ વસાવા વચ્ચે હરીફાઈ હતી જેમાં મનસુખ વસાવા 72,202 મતોથી જીત્યા હતા રસપ્રદ બાબત એ છે કે આ ચૂંટણીમાં છોટુ વસાવા 1 લાખ 11 હજાર કરતા વધુ મતો લઇ ગયા હતા અને તે મતો કોંગ્રેસના મતો તૂટ્યા હતા. ખાસ કરીને આદિવાસી મતબેન્ક કોંગ્રેસ તરફી રહી છે પરંતુ છોટુ વસાવાના આદિવાસી પટ્ટા પરના પ્રભુત્વના કારણે તેઓને આ મતો મળ્યા અને તેનો ફાયદો ભાજપને થયો તેમ કહી શકાય. તો 2009 માં મનસુખ વસાવા સામે કોંગ્રેસમાંથી અઝીઝ ટંકારવી એ મેદાનમાં ઝંપલાવ્યું હતું આ ચૂંટણીમાં પણ છોટુ વસાવા જાતે ઉભા રહ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના લઘુમતી ઉમેદવારે કાઠું કાઢ્યું હતું અને 2 લાખ 83 હજાર મતો મેળવ્યા હતા જયારે મનસુખ વસાવાને 3 લાખ 11 હજાર મતો મળ્યા હતા. આ ચૂંટણીમાં છોટુ વસાવાને 63 હજાર મતો મળ્યા હતા અને તેના કારણે મનસુખ વસાવા 27 હજારની પાતળી સરસાઈથી જીતી શક્યા હતા. જો છોટુ વસાવા ન હોત અને આ મતો વહેંચાયા હોત તો ભાજપ માટે કપરા ચઢાણ હોત. વર્ષ 2014માં મોદી વેવ હતો અને મતદાનની ટકાવારી ઊંચી હતી. જો કે આ ચૂંટણીમાં છોટુ વસાવાએ પોતે ઉમેદવારી નોંધાવી ન હતી અને પોતાના ઉમેદવાર તરીકે અનિલ ભગતને ઉભા રાખ્યા હતા. જો કે આ વખતે કોંગ્રેસ તરફે જયેશ પટેલ હોવાથી લઘુમતીઓ તેઓને સ્વીકાર્યા ન હતા અને મનસુખ વસાવા નો જંગી મતોથી વિજય થયો હતો

આ વખતે પુનઃ એક વાર કોંગ્રેસ તરફે લઘુમતી ઉમેદવાર છે. તેથી કોંગ્રેસના ઉમેદવાર વોટ તો કોન્ગ્રેસના ખાતામાં જશે જ પરંતુ લઘુમતી મતદારો પણ પુરજોશ સાથે મતદાન કરશે. તો બીજી તરફ છોટુ વસાવા આ વખતે કોંગ્રેસના મિત્ર છે પરંતુ તેઓના મતોનું ધ્રુવીકરણ ભાજપને કેટલો અને કેવો ફાયદો કરાવે છે તે જોવું રહ્યું. આ ચૂંટણી માટે તો એટલું જ કહી શકાય કે પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત...

Next Story