Connect Gujarat
Featured

મધ્યપ્રદેશ: સીએમ કમલનાથને રાજીનામું આપવાની નોબત કેમ આવી?

મધ્યપ્રદેશ: સીએમ કમલનાથને રાજીનામું આપવાની નોબત કેમ આવી?
X

કેવી રીતે રચાયો આ ઘટનાક્રમ, કઈ પરિસ્થિતિઓ ઊભી થઈ જેના કારણે 15 વર્ષના સંઘર્ષ બાદ હાંસિલ કરેલ સત્તા ગુમાવવી પડી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથને રાજીનામું આપવાની નોબત આવી.

કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પહેલાં જ રાજીનામાં આપી દીધા હતા જેમાં થી 6 પ્રદેશના મંત્રીઓ પણ હતા. વિધાનસભા અધ્યક્ષે 6 મંત્રીઓના રાજીનામાં સ્વીકારી લીધા હતાં પરંતુ 16 ધારાસભ્યોના રાજીનામાં સ્વીકાર્યા ન હતા. સ્પીકરના વલણ સામે ભાજપે સરકારને ગૃહમાં પોતાનું બહુમતી સાબિત કરવાની માંગ કરી હતી, પરંતુ સ્પીકરે માંગને અવગણીને ગૃહને 26 માર્ચ સુધી મુલતવી રાખ્યું હતું.

આ પછી, ભાજપ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી અને તરત જ ફ્લોર ટેસ્ટની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્પીકરને ઠપકો આપ્યો હતો અને 16 બળવાખોર ધારાસભ્યોનું રાજીનામું ન સ્વીકારવાનું કારણ પૂછ્યું હતું અને આજે સાંજ 5 વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. આ પછી, સ્પીકરે મોડી સાંજે તમામ 16 ધારાસભ્યોના રાજીનામાં સ્વીકારી લીધા હતાં.

ધારાસભ્યોના રાજીનામા બાદ કમલનાથ સરકાર લઘુમતીમાં આવી હતી. હવે કમલનાથ સરકારમાં માત્ર 99 ધારાસભ્યો છે, જેમાં 92 કોંગ્રેસ અને 7 અન્યના છે. જ્યારે બહુમતી માટે 104 આંકડાની જરૂર છે. સંખ્યા બળ ન હોવાને કારણે ફ્લોર ટેસ્ટ પહેલા જ કમલનાથે રાજીનામું આપવાની ઘોષણા કરી દીધી છે. એટલે કે કોંગ્રેસની સરકાર મધ્યપ્રદેશથી પડી ભાંગી છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ નારાજ થઈને કોંગ્રેસમાંથી રાજીનામું આપતા સિંધિયા સમર્થનના 22 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. જ્યારે સિંધિયાએ ભાજપનો સાથ મેળવી રાજ્યસભાની ટિકિટ માટેની ઉમેદવારી નોંધાવી દીધી છે. 22 બળવાખોરોના કારણે કોંગ્રેસ અલ્પમતમાં આવી ગઈ છે જ્યારે વિધાનસભાનું ગણિત જોતાં 104 બહુમતી માટે ભાજપ સરકાર બનાવવા દાવેદાર બની ગઈ છે. ભાજપ પાસે બહુમત કરતાં ત્રણ ધારાસભ્યો વધીને 107ની સંખ્યા છે. માનવામાં આવી રહ્યું છે શિવરાજસિંઘ ચૌહાણ ચોથી વખત મુખ્યમંત્રી બની શકે છે.

Next Story