/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/Untitled-1-copy.png)
ચોમાસાની ઋતુનો પ્રારંભ થતા જ જળચર પ્રાણીઓએ દેખા દેવાનું શરૂ કર્યું છે. ગતરાત્રીના પાલેજથી પાંચ કીમી ના અંતરે આવેલા કરજણ તાલુકાના મેસરાડ ગામ નજીક આવેલી ખાડીમાં સાડા પાંચ ફુટ લાંબા મગરે દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મગર દેખાયાની જાણ થતા મેસરાડ ગામના સરપંચ જાકીરભાઇ જમાદાર તેમજ આશાભાઇ પટેલ સહિત ગામના યુવાનોએ ખાડી પાસે પહોંચી જઇ મગરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. પરંતુ મગર ખાડીમાં ન દેખાતા પાણી ખેંચવાના પંપ સાથે ટ્રેક્ટર મંગાવી પંપ વડે ખાડીમાંથી પાણી ઉલેચવાની કામગીરી હાથ ધરી ભારે જહેમત ઉઠાવી મગરને સહિસલામત ઝડપી પાડ્યો હતો.
મગરને ઝડપી પાડ્યા બાદ તેની જાણ કરજણ વનખાતાને કરાતા વનખાતાના કર્મચારીઓ મેસરાડ ગામે પહોંચી ગયા હતા અને વાહન દ્વારા મગરને લઇ રવાના થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર એક બાઇક સવારે મગરને જોતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. મગર દેખાયાની જાણ મેસરાડ ગામમાં વાયુવેગે પ્રસરતા ગ્રામજનો મોટી સંખ્યામાં મગરને નિહાળવા ભેગા થયા હતા. છેવટે સહિસલામત મગર ઝડપાઇ જતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. મગરને ઝડપી પાડવાની સમગ્ર કામગીરીમાં ગામના સરપંચ જાકીરભાઇએ ખડેપગે ફરજ બજાવી હતી.