લખીમપુર ખીરી હિંસા કેસમાં સોમવારે કોર્ટમાં પાંચ હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં 14 લોકો આરોપી હોવાનું જાણવા મળ્યું છે. આ આરોપીઓમાં ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના સંબંધીનો પણ સમાવેશ થાય છે, આ કેસમાં મુખ્ય આરોપી આશિષ મિશ્રા છે. કેસમાં 14 લોકોના નામ આપવામાં આવ્યા છે. 3 ઓક્ટોબરે ટીકુનિયા શહેરમાં ફાટી નીકળેલી હિંસામાં ચાર ખેડૂતો અને એક પત્રકાર સહિત આઠ લોકોનાં મોત થયા હતા. એ જ તારીખે રાત્રે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. બીજી તરફ ભાજપના નેતા દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં અત્યાર સુધીમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ચાર્જશીટમાં ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સાથે તેમના સાળા વીરેન્દ્ર શુક્લાનું નામ પણ જોડવામાં આવ્યું છે. વીરેન્દ્ર શુક્લા બ્લોક હેડ છે. જેમના પર પુરાવા છુપાવવાનો આરોપ છે. ટિકુનિયા કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સહિત 13 આરોપીઓ જિલ્લા જેલમાં બંધ છે. આશિષ મિશ્રાની 10 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે પહેલા 7 ઓક્ટોબરે આશિષ મિશ્રાના નજીકના લવકુશ અને આશિષ પાંડેની ધરપકડ કરવામાં આવી હતી. બંનેને 8 ઓક્ટોબરે જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા.