ભરૂચના જંબુસરમાં ખુલ્લી વરસાદી ગટરોની સમસ્યા ગંભીર બની રહી છે. શહેરના હીરોહોન્ડા શોરૂમ નજીક વધુ એક એક્ટિવા ખુલ્લી વરસાદી ગટરમાં ખાબકવાની ઘટના સામે આવી છે. સદનસીબે આ અકસ્માતમાં એક્ટિવા સવારનો આબાદ બચાવ થયો હતો. શોરૂમ નજીકથી પસાર થઈ રહેલી એક્ટિવા અચાનક ખુલ્લી વરસાદી ગટરમાં ખાબકી હતી.

ઘટનાને પગલે આસપાસના સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ એક્ટિવાને ગટરમાંથી બહાર કાઢી હતી.ઉલ્લેખનીય છે કે જંબુસરમાં માત્ર ત્રણ દિવસમાં ખુલ્લી ગટરને લઈને આ બીજી ઘટના બની છે. અગાઉ એક ગાય પણ ખુલ્લી વરસાદી ગટરમાં ખાબકી હતી. હવે એક્ટિવા સવાર સાથે બનેલી ઘટનાએ નગરમાં ખુલ્લી ગટરોની ગંભીર સમસ્યાને ફરી એક વખત ઉજાગર કરી છે.