/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/maxresdefault-132.jpg)
મોરબી: મોરબીના બિલ્ડરના પુત્રનો ઘરસંસાર બરોબર ચાલતો ન હોવાની બન્ને પતિ પત્ની વચ્ચે સમાધાન કરવા માટે ટંકારાના જબલપુરના બાબુ ઝાપડા ઉર્ફે બાબુડોન દ્વારા પરાણે છૂટાછેડાના કાગળો પર સહી કરાવીને રિવોલ્વર બતાવી ધાક ધમકી આપી બળજબરીથી રૂ.૧.૦૨ કરોડ પડાવી લેવા મામલે પોલીસે ચાર આરોપીઓને ઝડપી લઈ તમામ રોકડ અને ગાડી સહિતનો મુદામાલ ઓકાવવામાં સફળતા મેળવી છે.
મોરબીના ચકચારી ખંડણી પ્રકરણમાં એલસીબીને મળેલી સફળતા અંગે જીલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદમાં વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, મોરબીના વાવડી રોડ પર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા દુદાભાઇ ધનજીભાઈ મેવાડાએ ટંકારાના જબલપુર ગામના ડોન તરીકે ઓળખાતા બાબુભાઇ ઝાપડા અને તેના માણસ જગદીશ ઉર્ફે જગો કરશન ઝાપડા તેમજ તેના પિતા કરશન ભુવો અને મનુભાઈ દેવરાજ ભાઈ મેવાડા સામે ફરિયાદ નોંધાવી હતી જેમા જણાવાયું હતું કે, તેમના નાના પુત્ર જિવણના ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા.પરંતુ બન્ને પતિ પત્ની વચ્ચે મનમેળ ન હોવાથી અવારનવાર ઘરકાંકસ થતો હતો.આથી નાના પુત્રનો ઘરસંસાર યોગ્ય રીતે ચાલે અને આ બાબતે સમાધાન કરવા તેમણે જ્ઞાતીના આગેવાન મનુભાઈ મેવાડની મારફત જબલપુરના બાબુ ઝાપડાનો સંપર્ક કર્યો હતો.જોકે તેમણે માત્ર સમાધાનની જ વાત કરી હોવા છતાં બાબુડોને પરાણે છૂટાછેડા લેવાનું કહીને આ માટે 1 કરોડની માગણી કરી હતી. આથી ડરી ગયેલા ફરિયાદીએ પોતાનો જમીન પ્લોટ , દર દાગીના વેચી તેમજ ઉધાર ઉછીના કરીને
રૂ.1 કરોડ બાબુ ડોનને આપ્યા હતા. ત્યારબાદ છુટાછેડા માટે જિવણની પત્ની છાયાબેન છૂટાછેડા આપવા માંગતા ન હોય અને પતિ સાથે રહેવા માંગતા હોવા છતાં તેમને રિવોલ્વર બતાવી ડરાવી ધમકાવી બળજબરીથી છૂટાછેડાના કાગળોમાં સહી કરાવી લીધી હતી.
આ મામલે ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસ અને તેમની ટીમે તાજીયા ગેંગના સાગરીત અને અગાઉ અનેક ગુન્હા આચરી પોલીસ ચોપડે ચડી ચૂકેલા બાબુડોન અને તેની ટોળકી પાસેથી ખંડણીમાં મેળવેલ રૂ.૧,૦૨,૭૧,૦૦૦ રોકડા, હોન્ડા કંપનીની ગાડી અને મોબાઈલ ફોન સહિત પાંચ લાખથી વધુનો અન્ય મુદામાલ પણ કબ્જે લઈ આ કેસમાં ગુન્હામાં ગયેલ તમામ મુદામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે.
ઉલ્લેખનીય છે કે સાતીર અપરાધી બાબુ ડોન વિરુદ્ધ અગાઉ મારામારી, અપહરણ, લૂંટ, બળજબરીથી જમીન પડાવી લેવી સહિતના સંખ્યાબંધ ગુન્હા નોંધાયેલ હોવાનું જિલ્લા પોલીસવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.