/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/06125236/tttt-e1596698569466.jpg)
મુંબઇમાં બારેય મેઘ ખાંગા થયા હતા. સોમવારથી શરૂ થયેલા અતિ ભારે વરસાદે મુંબઇને જળબંબોળ કરી દીધું છે.થાણે અને પાલધરમાં બુધવારે ભારે વરસાદથી ટ્રેન અને બસ સેવાઓ પ્રભાવિત થઈ હતી. ખરાબ હવામાનને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું હતું. આ સાથે હવામાન વિભાગે ગુરુવાર સવાર સુધી મુશળધાર વરસાદની આગાહી કરી હતી.
મુંબઇના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા મુંબઇને અડીને આવેલા કાશીમીરા બ્રિજ પાસે હજી પાણી ભરાયા હોવાના કારણે વસઈ, નાલાસોપારાથી મુંબઇ જતા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઇ ગયા હતાં.
આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરીને તેમને પૂરેપૂરી મદદનું આશ્વાસન આપ્યું હતું. જ્યારે રાયગઢ, પાલઘર, થાણેમાં હજુ પણ ભારે વરસાદ થવાની સંભાવના છે, ત્યારે રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે, કોલ્હાપુર અને સાતારા જિલ્લામાં માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.
મુંબઈમાં 2005નાં કાળમુખાં પૂરને પણ ટપી જાય તે રીતે મુંબઈમાં બુધવારે મુશળધાર વરસાદ વરસતાં ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ હતી. અનેક વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ખાસ કરીને દક્ષિણ મુંબઈમાં પહેલી જ વાર ચોપાટી વિસ્તારમાં સમુદ્રનાં પાણી રસ્તા પર આવી જતાં ઠેક ઠેકાણે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયાં હતાં. સુસવાટાભર્યા પવન સાથે વરસાદ વરસતો હોવાથી ઠેર ઠેર દુકાનનાં પાટિયાં, ઈમારતો પરનાં હોર્ડિંગ્સ, વીજળીના થાંભલા પણ ઊખડીને પડી ગયા હતા. દક્ષિણ મુંબઈમાં સંભવિત રીતે પહેલી જ વાર પૂર જેવી સ્થિતિ પેદા થઈ હતી. ચાર મહિના લોકડાઉનને લીધે ભારે નુકસાન ભોગવનારા દુકાનદારો અને મોલ્સ 5 ઓગસ્ટથી ફરીથી ખૂલ્યા પરંતુ વરસાદે બધાને નિરાશ કરી દીધા હતા.
મંગળવારે રાતથી જ જોરદાર વરસાદ પડતો હતો. જોકે બુધવારે જોર વધ્યું હતું. તેમાં સાંજ પછી પ્રતિ કલાક 100 કિમી પવનની ગતિ સાથે તોફાની વરસાદ પડતો હતો. આને કારણે હિંદમાતા, સક્કર પંચાયત ચોક, દાદર ટીટી, એસઆઈઈએસ કોલેજ, ગોળ દેઉળ, જે જે જંકશન, ઠાકુરદ્વાર નાકા, શેખ મિસ્ત્રી દરગાહ રોડ, ભીંડીબજાર જંકશન, ચેમ્બુર પોસ્ટલ કોલોની, ચૂનાભટ્ટી, બંદર ભવન, સીએસટી કુર્લા રોડ, માનખુર્દ રેલવે સ્ટેશન, અંધેરી સબવે, દહિસર સબવેસ નેશનલ કોલેજ બાંદરા ખાતે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયાં હતાં.પાટાઓ પર પાણી ભરાઈ જવાથી ત્રણેય માર્ગની રેલવે ટ્રેનોનો વ્યવહાર ઠપ થઈ ગયો હતો. પાટાઓ અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં ટ્રેનવ્યવહાર સાથે માર્ગવ્યવહાર પણ ઠપ થયો હતો, જેને લીધે ઘરેથી કામપર બહાર જવા નીકળેલા સેંકડો લોકો અટવાઈ ગયા હતા. ખાસ કરીને હાલમાં લોકો માટે જીવાદોરી બનેલી બેસ્ટની બસોનો વ્યવહાર પણ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં ખોરવાઈ ગયો હતો.
મુંબઈ સહિત રાજ્યભરમાં પૂર જેવી સ્થિતિઓ પેદા થતાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની 15 ટીમો સ્થાનિક પ્રશાસનને મદદરૂપ થવા માટે રવાના કરવામાં આવી હતી, જેમાંથી કોલ્હાપુરમાં 4 ટીમ, મુંબઈમાં 5 ટીમ, સાતારા, થાણે, પાલઘર, નાગપુરમાં પ્રત્યેકી એક-એક ટીમો મોકલવામાં આવી હતી.