નડિયાદ સંતરામ મંદિરમાં માઘની પૂનમને મહાઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. યોગીરાજ અવધૂત સંતરામ મંદિરે જીવિત સમાધિ લીધી ત્યારે આપોઆપ દીવો પ્રજ્વલીત થયો હતો. જે અખંડ જ્યોત તરીકે આજે પણ મંદિરમાં પ્રજ્જવલિત છે. સાંજે સંધ્યાના સમયે ૬.૩૦ વાગે મંદિરમાં સમાધિ સ્થાન સન્મુખ મહાઆરતી કરવામાં આવશે.
ઓમના મંત્રનાદ સાથે મહારાજશ્રીની સમાધિના માનમાં મૌન પાળવામાં આવશે એ પછી મંદિરના મહંતો, સ્વયંસેવકો અને ભક્તો દ્ધારા સાકરની ઉછામણી કરવામાં આવશે. આ પ્રસંગે દર્શનનો લ્હાવો લેવા અને પ્રસંગને નિહાળવા માટે નડિયાદ સહિત ચરોતર અને બીજા સ્થળોએથી મહેરામણ ઉમટી પડશે. જેઓ દર્શનનો લ્હાવો લેવા સાથે પ્રસાદી ગ્રહણ કરી ધન્યતાનો અનુભવ કરશે. સંતરામ મંદિરમાં મહા સુદ પૂર્ણિમાની વિશેષતા એ છે કે આટલા વર્ષો પછી પણ સાકરવર્ષાની પરંપરા જળવાઈ રહી છે. સતત બીજા વર્ષે કોરોનાની ત્રીજી લહેરની સંભવિત અસર તળે પરંપરાગત ત્રિદિવસીય મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે. મંદિરના ચોગાનમાં પ્રતિકાત્મક નાના ચકડોળ અને સ્ટોલ લગાવવામાં આવ્યા છે.
