નવેઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબના અભાવે દર્દીનું મોત : ગ્રામજનોમાં આક્રોશ

New Update
નવેઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબના અભાવે દર્દીનું મોત : ગ્રામજનોમાં આક્રોશ

ભરૂચ તાલુકાના અમલેશ્વર ખાતે એક ખેતમજુરને વીજ કરંટ લાગતા તેને પ્રાથમિક સારવાર માટે નજીકના નવેઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયો હતો. જાકે ત્યાં ડોકટર હાજર ન હોવાથી પ્રાથમિક સારવાર ન મળતા ખેતમજૂરનું મૃત્યુ થતા લોકોમાં રોષ ઉભો થયો હતો.આ ઘટનામાં તબીબની બેદરકારી બહાર આવતા લોકોએ તેમની વિરૂધ્ધ પગલાં ભરવા માટેની માંગ ઉઠાવી હતી.

પૃથ્વી ઉપર ઈશ્વર પછીનું જા કોઈ સ્થાન જા કોઈ ને મળ્યું હોય તો તે તબીબ છે. પરંતુ કેટલીક વખત આ જ તબીબનોની બેદરકારીને કારણે દર્દીઓ મોતનેભેટતા હોય છે. તબીબી આલમને શર્મસાર કરે તેવી ઘટના ભરૂચ તાલુકાના નવેઠા ગામે નોંધાઈ હતી. નવેઠા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે તેનાથી પાંચ કિલોમીટર દૂર આવેલા અમલેશ્વર ગામમાં એક ખેતમજુર મહેશભાઈ વસાવાને વીજકરંટ લાગતા તેને તત્કાલ સારવાર અર્થે લવાયો હતો. જાકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ડો. કિંજલબેન પટેલ ફરજ પર હાજર ન હતા. જેના કારણે આયુષ્માન મહિલા તબીબ પ્રાથમિક સારવાર આપવામાં મુંઝાયા હતા. તબીબ હાજર ન હોવાથી ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો.

આ ઘટનાના પગલે અમલેશ્વરના રહીશ અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણા પણ નવેઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. જેમણે તબીબ ડોકટર કિંજલ પટેલની ગેરહાજરીને વાખોડી આયુષ્માન તબીબને પણ આડે હાથ લીધા હતા. દરમિયાન ડોકટર કિંજલ પટેલની સાથે ટેલિફોનીક વાતચીત કરતા તેમણે દર્દીને કોઈ ઈન્જેકશન આપવાનું કહ્યું હતું. જેના આધારે આયુષ્માન તબિબે ઈન્જેક્શન પણ આપ્યું હતું. અને ત્યારબાદ ડો. કિંજલ પટેલના કહેવાથી જ ભરૂચ સિવિલ હોસ્પીટલમાં રિફર કર્યા હતા. જાકે આ સમયગાળા દરમિયાન જ મહેશ વસાવાનું મોત થયું હતું. પરંતુ આ મૃત્યુને જાહેર કરાયું ન હતું.

૧૦૮ના પાયલોટ અને નર્સને દર્દીનું મૃત્યુ થયું હોવાની આશંકાના કારણે મહેશ વસાવાને ભરૂચ સિવિલ હોસ્પીટલ સુધી પહોંચાડવાની ના પાડી હતી. જાકે આયુષ્માન તબીબ અને કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ દબાણ આપતા આખરે દર્દી મહેશ વસાવાને ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે લવાયો હતો જ્યાં તબીબે તેને મૃત્યુ પામેલ ઘોષિત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે મહેશ વસાવા અગાઉથી જ નવેઠા આરોગ્ય કેન્દ્ર ખાતે જ તત્કાલ પ્રાથમિક સારવાર ન મળવાના કારણે મૃત્યુ પામ્યો હતો. જેને લઈ ગ્રામજનો પણ ગરમાયા હતા. જેમણે તબીબ સામે પગલાં ભરવાની માંગ ઉઠાવી હતી.

  • ડો. કિંજલ પટેલ દવાખાનામાં હાજર રહેતા જ નથી : પરિમલસિંહ રણા

કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાએ તબીબની ગેરહાજરી સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો એમણે કહ્યું હતું કે ડો. કિંજલ પટેલ સિવિલ હોસ્પીટલમાં હોવાના બહાને ફરજ પર હાજર રહેતા જ નથી. ઘટના સમયે પણ તેમણે સિવિલ હોસ્પીટલમાં જ હોવાનું બહાનું કર્યું હતું પરંતુ તપાસ કરતા તેઓ સિવિલમાં પણ ન હોવાનું બહાર આવ્યું હતું. એટલું જ નહિં ડો. કિંજલ પટેલ આસપાસના તેમના તાબામાં આવતા તેમના ગામની પણ મુલાકાત લેતા નથી જેની સામે ગામોના સરપંચોની પણ ફરિયાદ ઉઠી છે. તેવો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.

  • ૨પ ગામો વચ્ચે એક જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

નવેઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આસપાસના ૨પ જેટલા ગામોનો સમાવેશ થાય છે. જેમાં પ થી ૭ મોટા ગામોમાં સબસેન્ટરો પણ આવેલા છે. જે જાતાં નવેઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મહત્વતા ઉભી થાય છે. આ રપ ગામોના દર્દીઓ સારવાર માટે નવેઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જ આવતા હોય છે અને એવા સમયે મુખ્ય ફરજ બજાવતા તબીબ હાજર ન રહેતા હોય તો આરોગ્ય વિભાગે તેની ગંભીર નોંધ લેવી જાઈએ.

  • કલેક્ટરના આદેશનું ઉલ્લંઘન

ગુજરાતમાં બેશુમાર વરસાદની આગાહીના કારણે જિલ્લા કલેકટરે કેટલાક આદેશો જારી કર્યા છે. જેમાં શાળાઓના વિદ્યાર્થીઓને રજા આપવા ઉપરાંત કોઈપણ સરકારી કર્મચારી કે અધિકારીને પોતાના ફરજના સ્થાનને ન છોડવા માટેનો આદેશ આપવામાં આવેલો છે. આમ છતાં પણ ડોકટર કિંજલ પટેલ નવેઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય તબીબ હોવા છતાં પણ કલેકટરના આદેશોનું ઉલ્લંઘન કરી આરોગ્ય કેન્દ્ર ખાતે હાજર રહયા હતા. જેના કારણે તેમના પર ખાતાકીય પગલાં લેવાય તો નવાઈ નહિં.

Latest Stories