/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-290.jpg)
રાજ્ય સરકારની બેધારી નીતિને લઈને પગારપંચ મામલે કેટલીક પાલિકાના કર્મીઓ મુરઝાવા માંડયા છે મોંઘવારીની જિંદગીમાં જુના પગાર પંચે કર્મચારીઓની આર્થિક દશા બગાડી છે. જેમાં જીવન ગુજારવું એ મહામુસીબતે સાબિત થઇ રહ્યું છે. નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાના કર્મીઓની પણ કંઈક આવી દશા થતા જુના પગારપંચ પ્રમાણે પગાર લેવાનો ઇન્કાર કરી દેતા ૨ મહિનાથી વગર વેતને સેવા આપી નવા પગારપંચની માંગણી કરી રહ્યા છે.
નવસારી જિલ્લાની સૌથી નાની એવી ગણદેવી નગર પાલિકામાં જરૂરી મહેકમ હોવા છતા શાસકોના માનીતાઓને હંગામી પગારે રાખી લેતા ગણદેવી પાલિકાના આર્થિક આરોગ્ય પર અસર પડી છે. પાલિકામા મહેકમ અનુસાર સ્ટાફ હોવા છતાં પાલિકાએ લાખોના ખર્ચે એંજીનીયર, કંસ્ટલટન્ટ, એસઆઇ સહિત સફાઇ કર્મીઓની પણ ભર્તી કર્યે જ રાખતા આજે સ્થિતિ કફોડી બની છે. પાલિકાના કાયમી કર્મચારીઓ જ્યાં ૬ ઠ્ઠા પગાર પંચ અનુસાર પગાર મેળવતા હતા, ત્યાં પાલિકાના શાસકોના અણધડ વહીવટને કારણે કાયમી કર્મચારીઓએ આજે પાંચમા પગાર પંચ અનુસાર પગાર મેળવવો પડે એવી સ્થિતિ ઉભી થઇ છે. પરંતુ મોંઘવારીના જમાનામા પાલિકાના કાયમી કર્મીઓએ પાંચમા પગાર પંચ અનુસાર પગાર સ્વિકારવાનો નન્નો ભણી દીધો છે.
ગણદેવી નગર પાલિકામા સરકારી મહેકમના નિયમાનુસાર ૪૮ ટકા કર્મચારીઓ છે, તેમ છતા પાલિકાના ભાજપી શાસકોએ પોતાની બુદ્ધિનો દેખાડો કરીને એક પછી એક અધિકારીઓ સહિત સફાઇ કર્મચારીઓ સુધીના કર્મચારીઓની હંગામી ભર્તી કર્યે જ રાખી છે. જેથી ૪૩ કાયમી કર્મચારીઓ કરતા હંગામી કર્મચારીઓની સંખ્યા ૫૩ છે. પાલિકાએ વધારાના એંજીનીયર, કંસલટન્ટ, એસઆઇ નિમ્યા છે એમની ૮ મહિનાથી ગ્રાંટ ન આવતા પાલિકાની આવકમાંથી જે તેમને તગડો પગાર ચુકવવો પડી રહ્યો છે. જેથી વિપક્ષ પણ પાલિકાના શાસકોની વહાલા દવલાની નીતિ અને અણધડ વહીવટ સામે આક્રોષ ઠાલવી રહ્યો છે.
સમગ્ર મુદ્દે પાલિકાના શાસકો સરકારી નીતિ અને હાલમાં જ આવેલા સરકારી પરિપત્રનો હવાલો આપીને પોતાની કરતુતને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને દોષનો ટોપલો પાલિકાના ઇન્ચાર્જ સીઓ પર નાંખીને પાલિકાના શાસકો છટકતા જણાયા હતા. પગાર તો આપવા માંગીએ છીએ, પણ ૫૬ ટકા જેટલુ મહેકમ થતા મુશ્કેલી છે અને સાથે જ પાલિકાને ગત વર્ષે ફક્ત ૭૪ ટકાની જ આવક થતા મુશ્કેલીમાં વધારો થયો હોવાનો રાગ આલાપ્યો હતો.
ગણદેવી પાલિકાના ભાજપી શાસકોએ હાથે કરીને પાલિકાના કાયમી કર્મચારીઓનો હક્ક છીનવ્યો હોવાનુ હાલના તબક્કે જણાઇ રહ્યુ છે, કારણ એક તરફ પાલિકાની આવક નથી અને તેની સામે પોતાના અંગત લોકોને પાલિકામાં હંગામી ધોરણે કામ આપીને શાસકોએ કાયમી કર્મચારીઓ સાથે અન્યાય કર્યો હોવાનુ ચિત્ર છતુ થયુ છે.